મહીસાગર,મહીસાગર જીલ્લા મેજીસ્ટ્રેટ નેહા કુમારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, ઉમેદવારી પત્રો રજુ કરવા માટે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં ઉમેદવાર અથવા તો તેના દરખાસ્ત કરનાર તથા અન્ય મળી કુલ પાંચ વ્યકતિઓ જ પ્રવેશી શકશે. માન્યતા પ્રાપ્ત સિવાયના પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારોના દરખાસ્ત કરનારાની સંખ્યા વધુ હોય તેઓના કિસ્સામાં પણ પ્રથમ તબક્કે ઉમેદવાર/દરખાસ્ત કરનાર તથા અન્ય ચાર અને ત્યાર બાદ જરૂર જણાય તો પ્રથમ ગયેલા ચાર વ્યક્તિઓ ચુંટણી અધિકારીની ચેમ્બરમાંથી બહાર નિકળી જાય તે પછી બાકીના ચાર અને તે જ રીતે બાકીના વ્યક્તિઓ ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં પ્રવેશી શકશે. આમ કોઇપણ સુચિત ઉમેદવારે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ કે સમર્થકો સાથે ચારથી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરવો નહી.
ઉમેદવારી પત્ર રજુ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના 100 મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે પ્રવેશી શકાશે. ત્રણથી વધુ વાહનો સાથે કચેરીના 100 મીટરના વિસ્તારમાં કોઈએ પ્રવેશવું નહીં
ઉપર મુજબની સુચનાઓનો અમલ ઉમેદવાર જ્યારે તેઓનું ઉમેદવારી પત્ર લેવા આવે ત્યારે પણ કરાવવાનો રહેશે તથા ઉપર્યુક્ત કામે ઉપયોગમાં લેવાયેલ વાહનોનો ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ઉધારવાનો રહેશે. સબંધિત ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીએ ઉમેદવારી પત્ર લેવા આવનાર વ્યક્તિને આ હુકમની નકલ પુરી પાડવી.
આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતા,1860ની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે.આ હુકમ અન્વયે મહીસાગર જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઈ.પી.સી.કલમ-188 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.