યુક્રેને રશિયા પર ક્લસ્ટર બોમ્બ ઝિંકી અફરાતફરી મચાવી, ૨૦નાં મોત, ૧૧૧થી વધુ ઘવાયા

મોસ્કો,, રશિયા અને યુક્રેન વચ્ચે ફરી એકવાર સંઘર્ષ વધી ગયું છે. રશિયાના તાજેતરના હવાઈ હુમલાના જવાબમાં યુક્રેની સૈન્યએ શનિવારે રશિયન શહેર બેલગોરોડમાં ભારે બોમ્બમારો કરી અફરાતફરી મચાવી દીધી હતી. આ હુમલામાં ૨ બાળકો સહિત ૨૦ લોકોના મોતના અહેવાલ મળ્યા છે. રશિયાના અધિકારીઓનું કહેવું છે કે બેલગોરોડમાં ક્લસ્ટર બોમ્બ વડે તાબડતોબ હુમલા કરાયા હતા.

યુક્રેનના હુમલામાં રશિયાના ૧૧૧ લોકોના ઘાયલ થયાની માહિતી મળી રહી છે. બેલગોરોડ શહેર ઉત્તર યુક્રેનની સરહદે આવેલું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ હુમલા વિશે કહ્યું કે મૉસ્કો, ઓરયોલ, બ્રાંસ્ક અને કુર્સ્ક ક્ષેત્રોના આકાશમાં ડ્રોન જોવા મળ્યા હતા. અમે જવાબી કાર્યવાહી કરીશું. યુક્રેનની સરકાર યુદ્ધના મોરચે થયેલા પરાજયથી ધ્યાન ભટકાવવા અને અમને પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવા ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

અહેવાલ અનુસાર યુએનમાં રશિયાના ઉપસ્થાયી પ્રતિનિધિ દિમિત્રી પોલાંસ્કીએ કહ્યું કે યુક્રેનના હુમલા બાદ રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઇમરજન્સી બેઠક બોલાવવા આહ્વાન કર્યું હતું. એક દિવસ પહેલા રશિયન સૈન્યના હુમલામાં યુક્રેન પર ૧૨૨ મિસાઈલો અને ૩૬ ડ્રોન વડે હુમલો કરાયો હતો. તેમાં ૩૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૧૫૯થી વધુ ઘવાયા હતા.