યુક્રેને ડ્રોન એટેક કરીને રશિયાની બે ઓઈલ રિફાઈનરી તબાહ કરી, રશિયાએ યુક્રેનના યુધ્ધ જહાજને ડુબાડી દીધુ

કીવ, યુક્રેન અને રશિયાની લડાઈમાં બંને દેશો એક બીજા પર પ્રહારો કરી રહ્યા છે.યુક્રેને રશિયાના ડ્રોન એટેકનો જવાબ આપીને રશિયન કબ્જા હેઠળના યુક્રેનના લુહાન્સ્ક વિસ્તારમાં એક મોટો ડ્રોન હુમલો કર્યો છે.

આ હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને ૧૯ લોકો ઘાયલ થયા છે. સંખ્યાબંધ ઈમારતોને નુક્સાન થયુ છે. અહીંની બે મોટી ઓઈલ રિફાઈનરીઓ ડ્રોન એટેકના કારણે સળગી ઉઠી છે. અહીંથી વિશ્ર્વને ૧.૫ ટકા ઓઈલ એક્સપોર્ટ કરવામાં આવે છે અને આ હુમલાના કારણે ઓઈલના સપ્લાય પર અસર પડી છે.

જ્યાં આ હુમલો થયો છે ત્યાં બ્લેક સીના કિનારે રશિયાનુ સૌથી મોટુ ઓઈલ એક્સપોર્ટ ટર્મનિલ આવેલુ છે. જેનાથી ૭૦ કિલોમીટર દુર આવેલી બે ઓઈલ રિફાઈનરી પર યુક્રેનના ડ્રોન ત્રાટકયા છે. એ પછી રિફાઈનરીમાં ભારે આગ લાગી છે અને તે બૂઝાવવા માટે કોશીશ થઈ રહી છે.

બીજી તરફ યુક્રેનની આર્મીએ બુધવારે રશિયાની બોર્ડર પાસેના શેબેકીનો ટાઉન પર પણ ફાયરિંગ કર્યુ છે. યુક્રેન દ્વારા એક સપ્તાહમાં રશિયન કબ્જાવાળા વિસ્તારો પર આ ત્રીજો હુમલો છે.

ડ્રોન એટેક બાદ રશિયન લડાકુ વિમાનોએ યુક્રેનના ઘણા શહેરો પર બોમ્બમારો કર્યો હતો. રશિયાએ દાવો કર્યો છે કે, ઓડેસાના દરિયા કિનારા નજીક યુક્રેનના વોરશિપને તબાહ કરી નાંખવામાં આવ્યુ છે. યુક્રેનનુ આખરી જંગી યુધ્ધ જહાજ પણ અમે ખતમ કરી નાંખ્યુ છે.