
કીવ,
ગત વર્ષથી રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન મિસાઈલોના કારણે થયેલા વિસ્ફોટો હજુ પણ યુક્રેનમાં સંભળાય છે. હવે મળતી માહિતી પ્રમાણે રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનમાં મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે અને તેના કેટલાક પુરાવા સેટેલાઇટથી લીધેલી તસવીરોમાં પણ જોવા મળે છે. તસવીરો દ્વારા જાણી શકાય છે કે, અઠવાડિયાની અંદર યુક્રેની બોર્ડર પાસે નવો રશિયન મિલિટ્રી કેમ્પ ઉભો કરી દેવામાં આવ્યો છે. જેનાથી ભય ઉત્પન્ન થઈ ગયો છે કે, પુતિન નવા આક્રમણ માટે સેંકડો લોકોને તૈયાર કરી શકે છે.
યુક્રેનિયન સરહદથી લગભગ ૧૭૦ માઈલ દૂર રશિયન શહેર વોરોનેઝની બહારના ભાગમાં પોગોનોવો તાલીમ ગ્રાઉન્ડ, ૨૦મી સદીની શરૂઆતમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું અને સોવિયેત યુનિયન દ્વારા લશ્કરી તાલીમ હેતુઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રશિયન આક્રમણના શરૂઆતના દિવસોથી તાલીમનું મેદાન ઉજ્જડ રહ્યું હતું અને ગયા મહિને જ તે ઢંકાયેલુ હતું. પરંતુ ગયા અઠવાડિયે લેવામાં આવેલી નવી સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે, અઠવાડિયાની અંદર મેદાન પર એક વિશાળ નવી સૈન્ય છાવણી બનાવવામાં આવી છે જે આશંકા વ્યક્ત કરે છે કે, રશિયા આગામી અઠવાડિયામાં પૂર્વ યુક્રેનમાં હુમલાની નવી લહેર શરૂ કરવા માંગે છે.
રશિયાએ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ યુક્રેન પર આક્રમણ શરૂ કર્યું હતું. ૧૦૦,૦૦૦થી વધુ રશિયન સૈનિકો યુક્રેનની સરહદ પર એકઠા થયા હતા જેમણે યુક્રેનની રાજધાની કિવની બહારના ભાગમાં ટેન્કોના વિશાળ કાફલાને મોકલવાની ધમકી આપી હતી કારણ કે પુતિનના દળોએ ઉત્તરપૂર્વમાં વિસ્તારને ઝડપથી કબજે કર્યો હતો.