કીવ, યુક્રેનના ખેરસન વિસ્તારમાં રશિયાના નિયંત્રણ હેઠળ આવતો નોવા કાખોવકા ડેમ તબાહ થઈ ગયો છે. યુક્રેનની સશ દળોના દક્ષિણી કમાન્ડે મંગળવારે આ અંગેની માહિતી આપી છે. કમાને ફેસબુક પેજ પર લખ્યું છે કે વિનાશ વધતો જઈ રહ્યો છે. રશિયા અને યુક્રેન એકબીજા પર તેને તબાહ કરવાના આરોપ લગાવી રહ્યા છે.
મંગળવારે વહેલી સવારે દક્ષિણ યુક્રેનમાં સ્થિત નોવા કાખોવકા ડેમમાં બ્લાસ્ટ થયો હતો અને પાણી આફતની જેમ ફેલાવા લાગ્યું હતું. યુક્રેનની સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. ઑક્ટોબર ૨૦૨૨માં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ પણ આશંકા વ્યક્ત કરી હતી કે રશિયા ડેમમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. આ ડેમ ખેરસન ક્ષેત્રના ભાગમાં આવે છે જે રશિયા દ્વારા નિયંત્રિત છે. જોકે, રશિયા દ્વારા નિયુક્ત કરાયેલા પ્રદેશના મેયરે તેને ’આતંકી કૃત્ય’ ગણાવ્યું છે.
નોવા કાખોવકા ડેમ યુક્રેનની સૌથી મોટી નીપર નદી પર બાંધવામાં આવ્યો છે અને તે ખેરસન શહેરથી ૩૦ કિમી પૂર્વમાં સ્થિત છે. આ બંધનું પતન સ્થાનિક વિસ્તાર માટે વિનાશક હશે તેમજ યુક્રેનના યુદ્ધ પ્રયાસોને અસર કરશે. ડેમના કારણે પાણીનો વિશાળ ભંડાર રોકાઈ ગયો હતો. આ ડેમ ૩૦ મીટર લાંબો અને સેંકડો મીટર પહોળો છે. તે ૧૯૫૬ માં કાખોવકા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ હેઠળ બનાવવામાં આવ્યો હતો. કહેવાય છે કે આ ડેમમાં લગભગ ૧૮ ક્યૂબિક કિલોમીટર પાણી છે. આટલું પાણી યુએસએના ઉટાહના ગ્રેટ સોલ્ટ લેકમાં હાજર પાણી બરાબર છે.
ડેમ ફાટવાથી ખેરસન સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખેરસનના કેટલાક ભાગો ૨૦૨૨ ના અંતમાં યુક્રેનિયન સેના દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. ડેમ પર વિસ્ફોટ પછી ખેરસન પ્રદેશના વડાએ રહેવાસીઓને સ્થળાંતર કરવા કહ્યું છે. તેમણે કહ્યું કે પાંચ કલાકમાં પાણી ગંભીર સ્તરે પહોંચી જશે. આ ડેમ દક્ષિણમાં ક્રિમીઆને પાણી પૂરું પાડે છે, જેને રશિયા દ્વારા ૨૦૧૪ માં જોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઝાપોરિઝ્ઝ્યા ન્યુક્લિયર પ્લાન્ટને પણ પાણી પૂરું પાડવામાં આવે છે. આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુરોપનો સૌથી મોટો પ્લાન્ટ છે.
આ ઘટના બાદ ઝેલેન્સકીએ ટ્વિટર પર લખ્યું, ’રશિયન આતંકવાદી. કાખોવકા ડેમનો વિનાશ ફક્ત સમગ્ર વિશ્ર્વને પુષ્ટિ કરે છે કે તેમને યુક્રેનની ભૂમિના દરેક ખૂણેથી હાંકી કાઢવામાં આવશે.’ તેમના માટે એક મીટર જમીન પણ છોડવી જોઈએ નહીં કારણ કે તેઓ દરેક મીટરનો ઉપયોગ આતંક માટે કરે છે. તેમણે કહ્યું કે તમામ સેવાઓ કાર્યરત છે. ડેમની મદદથી કાખોવકા હાઇડ્રો પાવર પ્લાન્ટ સુધી વીજળી પહોંચે છે. ડેમ તૂટી જવાથી યુક્રેનની ચાલી રહેલી ઉર્જા સમસ્યાઓમાં ઉમેરો થશે. તે ક્રિમીયા સહિત મોટાભાગના દક્ષિણ યુક્રેનને પાણી પુરૂ પાડતી કેનાલ સિસ્ટમનો પણ નાશ કરી શકે છે.