યુક્રેન મોરચા પર લડતા સૈનિકોની પત્નીઓએ વિરોધ કર્યો, વિદેશી પત્રકારો સહિત ઘણાની અટકાયત કરવામાં આવી

મોસ્કો, રશિયાની રાજધાની મોસ્કોમાં વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરવામાં આવેલા લોકોમાં ઘણા વિદેશી પત્રકારો પણ સામેલ છે. રાષ્ટ્રપતિ પુતિનના ચૂંટણી મુખ્યાલયની બહાર આ પ્રદર્શન યોજાયું હતું. યુક્રેનિયન મોરચા પર લડી રહેલા રશિયન સૈનિકોની પત્નીઓ અને અન્ય સંબંધીઓ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહિલાઓએ તેમના પતિ અને બાળકોને ઘરે પરત લાવવાની માંગ કરી હતી.

રશિયા-યુક્રેન યુદ્ધને ૫૦૦ દિવસ વીતી ગયા છે. આવી સ્થિતિમાં, મોટી સંખ્યામાં મહિલાઓ ક્રેમલિનમાં એકઠી થઈ અને પછી ત્યાં હાજર રાષ્ટ્રપતિ પુતિનના ચૂંટણી મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. આ પછી પોલીસે ભીડમાંથી ઘણા લોકોની અટકાયત કરી હતી. અટકાયત કરવામાં આવેલા લોકોમાં ઘણા વિદેશી પત્રકારો પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ ૨૭ લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમને પોલીસ વાનમાં બેસાડીને ક્તિાય-ગોરાડ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. ઘણા દેખાવકારોને મુક્ત કરવામાં આવ્યા છે અને ઘણા હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે. સ્વતંત્ર રશિયન મીડિયા અનુસાર, અટકાયતમાં લેવામાં આવેલા લોકોને અહેવાલો લખતી વખતે કાનૂની સહાય પણ આપવામાં આવી ન હતી.

રિપોર્ટ્સ અનુસાર અટકાયત કરાયેલા વિદેશી પત્રકારોમાં ફ્રાન્સ પ્રેસ, સ્પીગલ અને માનવાધિકાર કાર્યર્ક્તાઓ સામેલ છે. જાપાનીઝ ટેલિવિઝન કંપની ફુજીના પ્રતિનિધિ આન્દ્રે ઝાયકોનો પણ સમાવેશ થાય છે. આ વિરોધ પ્રદર્શન મોસ્કોના રેડ સ્ક્વેર પાસે થયો હતો. રશિયામાં ટૂંક સમયમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે અને વ્લાદિમીર પુતિન ફરી એકવાર રશિયાના રાષ્ટ્રપતિ બનશે તે નિશ્ર્ચિત જણાય છે. રશિયામાં ૧૫-૧૭ માર્ચ દરમિયાન ચૂંટણી યોજાશે અને મે મહિનામાં વિજેતાની જાહેરાત કરવામાં આવશે.

૧૯૯૯ માં, તેમના કાર્યકાળના અંતિમ દિવસે, તત્કાલિન રશિયન રાષ્ટ્રપતિ યેલતસિને વ્લાદિમીર પુતિનને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા. આ પછી, ૨૦૦૦ માં યોજાયેલી રશિયન ચૂંટણીમાં, પુતિન ૫૩ ટકા મતો સાથે જીત્યા અને ૨૦૦૪ માં તેમને ૭૧ ટકા મત મળ્યા. ૨૦૦૮માં પુતિનના નજીકના સાથી દિમિત્રી મેદવેદેવ રાષ્ટ્રપતિ બન્યા અને ૨૦૧૨માં પુતિન ૬૩ ટકા વોટ મેળવીને ફરીથી રાષ્ટ્રપતિ બન્યા. ૨૦૧૮માં પણ પુતિનને ૭૬ ટકા વોટ મળ્યા હતા.