
સૈફ અલી ખાનનો દીકરો અને સારા અલીનો ભાઈ ઈબ્રાહિમ અલી ખાન બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તેની આગામી ફિલ્મનું શૂટિંગ યુકેમાં થવાનું હતું. જો કે યુનાઈટેડ કિંગડમમાં રમખાણોના પગલે શૂટિંગ મુલતવી રખાયુ હોવાનું જાણવા મળ્યું છે.ઈબ્રાહિમ અલી ખાન દિનેશ વિજાનની ફિલ્મ દિલેરનું શૂટિંગ કરી રહ્યો છે. તેના કેટલાક સીન્સ લંડનમાં પણ શૂટ કરવાના હતા.
શૂટિંગનું આયોજન થયું ત્યારે યુકેમાં સ્થિતિ શાંત હતી. જો કે સાઉથપોર્ટમાં ત્રણ છોકરીઓની હત્યા બાદ સ્થિતિ વણસી છે. યુકેમાં છોકરીઓને છરીના ઘા મરાયા બાદ ઈમિગ્રન્ટ્સમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને દેખાવો ઉપરાંત રમખામણો શરૂ થયા છે.
યુકેની સરકાર અને પોલીસ રમખાણો પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ ઈમિગ્રન્ટ્સ અને સ્થાનિકો વચ્ચેનું ઘર્ષણ રોકાતું નથી. યુકેની સ્થિતિને પારખી ’દિલેર’નું શૂટિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે. ટીમની સલામતીને પ્રાથમિક્તા આપવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. લંડનના બદલે હવે મુંબઈમાં જ કોઈ લોકેશન પસંદ કરવા કવાયત ચાલી રહી છે.
ફિલ્મના ડાયરેક્ટર કુણાલ દેશમુખે કેટલાક સીન્સ લંડનમાં શૂટ કરવાનું વિચાર્યું હતું. લોકેશન ફાઈનલ થઈ ગયા હતા. શૂટિંગ શરૂ કરતાં પહેલાં જુલાઈના છેલ્લા દિવસોમાં ટીમે લંડનની મુલાકાત લીધી હતી. જો કે લંડનમાં રમખાણોના પગલે લંડનમાં શૂટિંગનો પ્લાન પડતો મૂકાયો છે. તેના બદલે સપ્ટેમ્બર મહિનાથી મુંબઈના જ કોઈ લોકેશન પર શૂટિંગ શરૂ કરવાનું આયોજન છે.