યુકેમાં બરફના તોફાનનું તાંડવ, ઘરો બરફથી ઢંકાયા, રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો

લંડન,

બ્રિટનમાં બરફના તોફાનના કારણે ઘણા શહેરો બરફથી ઢંકાઈ ગયા છે. ખતરનાક બરફના તોફાનના કારણે રસ્તાઓ પર વાહન ચલાવતા લોકો પોતાની કાર જ્યાં હતી ત્યાં છોડીને સલામત સ્થળે દોડી ગયા હતા. લગભગ ૧૭૨ કિલોમીટર લાંબો M62  હાઈવે જામ થઈ ગયો છે. અનેક શહેરોમાં પાવર કટની સમસ્યા પણ જોવા મળી રહી છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી ત્રણ દિવસ સુધી બ્રિટનના લોકોને આ તોફાનથી રાહત મળવાની નથી. કદાચ રવિવારે બરફના તોફાનથી થોડી રાહત મળશે. ઉત્તરીય ઈંગ્લેન્ડ, મિડલેન્ડ્સ, નોર્થ વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડ માટે હવામાન વિભાગ દ્વારા યલો લેબલ ચેતવણીઓ જારી કરવામાં આવી છે. આ શહેરોમાં વાહનવ્યવહારની સાથે વીજ પુરવઠો પણ પ્રભાવિત થઈ શકે છે.

ડેઈલી મેલના અહેવાલ મુજબ બરફના તોફાનના કારણે રસ્તા પર ૧૫ ઈંચ સુધી બરફ જમા થઈ ગયો છે. આવી સ્થિતિમાં રસ્તાઓ પર ચાલતા લોકો પોતાના વાહનો રસ્તા પર છોડીને સુરક્ષિત સ્થળોએ જતા રહ્યા છે. સામાન્ય રીતે આવું ત્યારે થાય છે જ્યારે બ્રિટનના કેટલાક શહેરોમાં તાપમાન -૧૬ સે સુધી પહોંચે છે. શુક્રવારે બપોરે જોરદાર જામ સર્જાયો હતો, જેમાં સેંકડો કાર ફસાઈ ગઈ હતી. ડ્રાઇવરો હિમવર્ષા વચ્ચે કારને બહાર કાઢવા માટે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતા જોવા મળ્યા હતા. ગુરુવારે સાંજે ઘણી જગ્યાએ ભારે પવન પણ ફૂંકાયો હતો. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.

બ્રિટનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજની રાતનું તાપમાન બુધવાર જેવું રહેવાનું છે, જે દેશની વર્ષની સૌથી ઠંડી રાત હતી. ગુરુવારની રાત પણ ખૂબ જ ઠંડીની રાત હતી પરંતુ તાપમાન બુધવાર કરતાં થોડું વધારે હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાઈલેન્ડ્સમાં -૧૭ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી શકે છે. આ વર્ષે અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન -૧૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.