
- પ્રગતિ વિધ્યાલય સીમલીયા ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ.
ગુજરાત સરકારના શિક્ષણનાં મહાકુંભનો અમીઘૂંટડો એટલે શાળા પ્રવેશોત્સવ.પોતાના જીવનમાં શિક્ષણનાં પગથીયે પહેલી પગલી માંડતા ભૂલકાઓનો આગવો અવસર એટલે પ્રવેશોત્સવ. જે અંતર્ગત આજ રોજ અંતિમ દિવસે કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ,પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને મહીસાગર જીલ્લામાં સંતરામપુર તાલુકાના સીમલીયા પ્રગતિ વિધ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ- 2024 અંતર્ગત કાર્યક્રમો યોજાયો હતો.

પ્રગતિ વિધ્યાલય ખાતે કેબિનેટ મંત્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સીમલીયા પ્રાથમિક શાળા, પ્રગતિ વિધ્યાલય અને ખૂંટા વર્ગ પ્રાથમિક શાળાના બાળકોને આંગણવાડી, બાળ વાટિકા, પહેલા ધોરણમાં અને નવમા ધોરણમાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં કેબિનેટ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, “તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવની શુભ શરૂઆત 2003 થી કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળ આજે આ યાત્રા આગળ વધી રહી છે અને શાળાઓમાં 100% નામાંકન માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, કોઈ પણ બાળક આર્થિક અવરોધથી ભણતર ના બગડે તેના માટે રાજ્ય સરકાર દ્વારા ”મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આવી અનેકવિધ યોજનાઓ ગુજરાતના બાળકો માટે અમલમાં મુકવામાં આવી છે. આજના સમયે ખાનગી શાળાઓ કરતાં સરકારી શાળાઓમાં ઉત્તમ સુવિધાઓ વિના મૂલ્યે આપવામાં આવી રહ્યા છે જેના થકી બાળકોની પેહલી પસંદ સરકારી શાળાઓ બની રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગોખણપટ્ટી નહીં બાળકોનો સંપૂર્ણ વિકાસ થાય તે માટે સ્કિલ બેજ શિક્ષણ અને માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 2047 વિકસિત ભારતના સ્વપ્નને સાકર કરવામાં યુવાઓની ભૂમિકા ખૂબ અગત્યની છે.
આ પ્રસંગે જીલ્લા શિક્ષણાધિકારી નૈલેશકુમાર મુનિયા એ સ્વાગત પ્રવચન કર્યું હતું અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અવનીબા મોરીએ જ્ઞાનગંગા પ્રકલ્પના પુસ્તકની માહિતી આપી હતી.

આ સાથે બાળકોને શૈક્ષણિક કીટ, સાહિત્ય વિતરણ, તેજસ્વી બાળકોને પ્રોત્સાહન પૂરૂં પાડવા માટે ઈનામ વિતરણ અને સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવી હતી. મહાનુભાવોએ શાળાના ડિજીટલ વર્ગખંડની મુલાકાત લેવામાં આવી હતી. મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જ્ઞાનગંગા પ્રકલ્પ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. મહેમાનોને પુસ્તક અર્પણ કરીને તેમનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. નાના ભુલકાઓએ બાળગીતો પર સુંદર પ્રસ્તુતિ રજૂ કરી હતી. મહાનુભાવોના હસ્તે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ, પદાધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો સહિત ગ્રામજનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.