- કુલ 28 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો,શાળામાં પ્રજ્ઞા વર્ગ, જ્ઞાન કુંજ વર્ગ, રમત ગમતનું મેદાન સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ.
ગોધરા, ઉજવણી ઉજ્જવળ ભવિષ્યનીની થીમ સાથે રાજ્યભરમાં યોજાયેલો શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની સાથે પંચમહાલ જીલ્લાની સરકારી શાળાઓ માટે દાનની સરવાણીનો મહોત્સવ પણ બન્યો છે. વાત કરીએ ગોધરા તાલુકાની ખજૂરી પ્રાથમિક શાળાની તો 09 શિક્ષકો સાથે આ શાળામાં 223 બાળકો અભ્યાસ કરે છે. શિક્ષણ વિભાગ અને ગ્રામ લોકોના સહિયારા પ્રયાસો થકી આ શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં પ્રજ્ઞા વર્ગ, જ્ઞાન કુંજ વર્ગ, રમત ગમતનું મેદાન, કંપાઉન્ડ વોલ, કોમ્પ્યુટર વર્ગ, ટીવી, રેમ્પ, શેડ સહિતની સુવિધાઓ ધરાવતી આ શાળામાં ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ વખતે કુલ 28 નાના ભૂલકાંઓને આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ અપાયો છે.
શાળા પ્રવેશોત્સવ વખતે ખજૂરી પ્રાથમિક શાળાના આચાર્ય લાલાભાઈએ જણાવ્યું હતું કે,1816 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં 1958માં સ્થપાયેલ પ્રાથમિક શાળાની સાથે સરકારી માધ્યમિક શાળા પણ અહીં ઉપલબ્ધ છે. ગ્રામ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે તથા લોકો આ શાળાને એક પરિવારના રૂપમાં માને છે. વારે તહેવારે આ શાળામાં વિવિધ પ્રકારના કાર્યક્રમો હોંશે હોંશે યોજાય છે. ગ્રામ લોકોના સહયોગ થકી આજે શાળા પ્રવેશોત્સવ વખતે કુલ 23,500/- નું દાન આ શાળાને મળ્યું છે. જેનો ઉપયોગ શૈક્ષણિક કાર્યોમાં કરવામાં આવશે.