ઉજવણી… ઉલ્લાસમય શિક્ષણની કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2024

  • કેન્દ્રવર્તી શાળા હરદાસપુર ખાતે બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવતા જીલ્લા વિકાસ અધિકારી.
  • ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભેર આવકાર આપીને જીલ્લા વિકાસ અધિકારીએ શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.

મહીસાગર, મહીસાગર સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ -2024નો પ્રારંભ થયો છે. ત્યારે મહિસાગરના લુણાવાડા તાલુકાના કેન્દ્રવર્તી શાળા હરદાસપુર ખાતે જીલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલે ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભેર આવકાર આપીને જીલ્લા વિકાસ અધિકારીએ શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલે જણાવ્યું હતું કે, 21 વર્ષ પેહલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યું હતું અને ત્યારથી સરકાર કન્યા કેળવણી પર વધુ ભાર મૂક્યો છે. સમાજનો વિકાસ ત્યારેજ થાય છે જ્યારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં ખભે ખભા મિલાવે અને ભારતને 2047 માં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહિલાઓની ભૂમિકા અગત્યની છે. આજે આ શાળામાં કુમાર કરતાં કુમારીઓની સંખ્યા વધુ જોઈ મને આનંદની લાગણી અનુભવી રહ્યો છું. ગામનો એક પણ બાળક શિક્ષણ વગર વંચિત ન રહી જાય તે માટે સરકાર હમેશા પ્રયત્નશીલ રહી છે.

જીલ્લા વિકાસ અધિકારીના હસ્તે મહીસાગર જ્ઞાનગંગા પ્રકલ્પ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેમ શુભેચ્છાઓ પાઠવી હતી. શાળા પ્રવેશોત્સવ બાદ જીલ્લા વિકાસ અધિકારીએ એસ.એમ.સી.ની બેઠકમાં હાજરી આપીને સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ બાદ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગામના સરપંચ,એસ.એમ.સી.સભ્ય, શાળાના આચાર્ય, શિક્ષકો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.