ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યની મુશ્કેલીઓ વધી શકે છે, દિશા સાલિયાન આત્મહત્યા કેસની એસઆઇટી તપાસ કરશે

મુંબઇ, શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધી શકે છે. દિશા સાલિયાન આત્મહત્યા કેસની શિંદે સરકાર એસઆઇટી દ્વારા તપાસ કરશે. ડીઆઇજી રેક્ધના અધિકારી આ એસઆઇટીના કામનું નીરિક્ષણ કરશે. મહત્ત્વપૂર્ણ છે કે દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેની તપાસ કરવાની માંગ કેટલાક ધારાસભ્યોએ કરી છે. આ કેસમાં ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગત શિયાળુ સત્ર દરમિયાન એસઆઇટી તપાસના આદેશ આપ્યા હતા અને હવે જઇને એસઆઇટીની રચના કરવામાં આવી રહી છે જે આ કેસની તપાસ કરશે.

એકનાથ શિંદેના નેતૃત્વ ધરાવતી મહારાષ્ટ્ર સરકારે હવે આદિત્ય ઠાકરે વિરૂદ્ધ તપાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેનાથી શિવસેના નેતા આદિત્ય ઠાકરે માટે મુશ્કેલી વધી શકે છે. સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર દિશા સાલિયાન (૨૮)એ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેટલાક દિવસ પહેલા ૮ જૂન ૨૦૨૦માં મુંબઇના મલાડ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી કુદીને આત્મહત્યા કરી હતી.

ભાજપના નેતાઓએ સાલિયાનના મોતની તપાસની માંગ કરી હતી. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે એક વખત સદનમાં કહ્યું હતું, આ કેસ પહેલાથી જ મુંબઇ પોલીસ પાસે છે, જેમની પાસે પુરાવા છે તે રજૂ કરી શકે છે, તેની એસઆઇટી દ્વારા તપાસ કરવામાં આવશે. સત્તા પર રહેલા ગઠબંધનના ધારાસભ્યોએ સાલિયાનના મોતની તપાસ માટે એસઆઇટીની રચના કરવાની માંગ કરી હતી. આ કેસ સૌથી પહેલા સનદમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ ધરાવતા શિવસેના જૂથના ધારાસભ્ય ભરત ગોગાવલેએ ઉઠાવ્યો હતો અને તેમની સાથે ભાજપના ધારાસભ્ય નીતિશ રાણે પણ સામેલ થયા હતા. હજુ સુધી એસઆઇટી તપાસ પર આદિત્ય ઠાકરેની કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.