ઉદ્ધવ અને શરદ પવાર ભાજપ સાથે જવાની તૈયારી કરી રહ્યા છે? પ્રકાશ આંબેડકરનો દાવો

મુંબઈ, મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષો વચ્ચે ટિકિટોની વહેંચણીએ રસપ્રદ વળાંક લીધો છે. વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે દાવો કર્યો છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) અને શિવસેના (યુબીટી)ના નેતાઓએ લેખિત ખાતરી આપવાનો ઇનકાર કર્યો છે કે તેઓ લોક્સભા ચૂંટણી પછી ભાજપ અને આરએસએસ સાથે નહીં જાય. પ્રકાશ આંબેડકરના આ દાવાએ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.

પ્રકાશ આંબેડકરે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના નેતા જીતેન્દ્ર આવ્હાડને લખેલા પત્રમાં ચોંકાવનારા દાવા કર્યા છે. તેમણે લખ્યું છે કે સીટ શેરિંગ પર એમવીએ મીટિંગમાં જ્યારે અમારા પ્રતિનિધિઓએ કહ્યું કે ’અમારે મતદારોને આશ્ર્વાસન આપવું પડશે કે ચૂંટણી પછી અમે ભાજપ અથવા આરએસએસ સાથે નહીં જઈએ’, ત્યારે તમારા બધા નેતાઓ મૌન રહ્યા. વંચિત બહુચન આઘાડીના નેતાએ પત્રમાં લખ્યું છે કે, ’એક રીતે તેમણે આ પ્રસ્તાવનો ચૂપચાપ વિરોધ કર્યો હતો.’

અવહાડને લખેલા પત્રમાં આંબેડકરે કહ્યું કે, ’તેમણે પોતે કહ્યું હતું કે આ વાત લેખિતમાં આપવામાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ, પરંતુ તે બેઠકમાં હાજર રહેલા સંજય રાઉતે લેખિત ખાતરી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. તમારી પાર્ટીએ પહેલેથી જ ભાજપ સાથે કરાર કર્યો છે, તેથી જ એમવીએ સાથે જોડાણ કરતા પહેલા, વંચિત બહુજન અઘાડી ખાતરી કરવા માંગે છે કે ચૂંટણી પછી તમારી પાર્ટી (એનસીપી સપા) ભાજપ સાથે નહીં જાય.

તમને જણાવી દઈએ કે આગામી થોડા દિવસોમાં લોક્સભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે પરંતુ હજુ સુધી મહારાષ્ટ્રના વિપક્ષી ગઠબંધન વચ્ચે ટિકિટોની વહેંચણી થઈ નથી. શિવસેના અને કોંગ્રેસ વચ્ચે ટીકીટને લઈને ઘમાસાણ છે એટલું જ નહીં પ્રકાશ આંબેડકરને સીટો આપવા પર પણ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. ગત લોક્સભા ચૂંટણીમાં શિવસેના અને ભાજપ સાથે હતા પરંતુ આ વખતે શિવસેના અને એનસીપી વચ્ચે જંગ છેડાઈ ગયો છે અને આ બંને પક્ષોનો એક જૂથ ભાજપ સાથે છે અને બીજો વિપક્ષમાં છે.