ઉદયપુર ઘટનાની તપાસ માટે SITની રચના, કેવી રીતે થઈ હતી કનૈયાલાલની હત્યા..?

ઉદયપુરમાં એક દરજીની હત્યા બાદ સમગ્ર રાજસ્થાનમાં ઇન્ટરનેટ બંધ છે. ઉદયપુરમાં ઠેરઠર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને હજુ પણ તણાવ પ્રવર્તી રહ્યો છે. કર્ફ્યુ લદાયેલો છે અને બજારદૂકાનો બધું જ બંધ છે.ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરી દેવાઈ છે. રાજ્યના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે હત્યાની આંતરરાષ્ટ્રીય લિંક છે કે કેમ એની તપાસ કરાશે.જોધપુરમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે, “ઘટના બહુ મોટી છે. જઘન્ય છે, બહુ જ જઘન્ય છે.”

“મેં કાલે પણ કહ્યું હતું કે જેટલી નિંદા કરાય એટલી ઓછી છે અને એટલે જ અમે એસઆઈટીની રચના કરી છે. એસઆઈટીએ પોતાનું કામ શરૂ કરી દીધું છે. જયપુર પહોંચતાં જ અમે લૉ ઍન્ડ ઑર્ડરને લઈને પણ બેઠક કરીશું.”તેમણે ઉમેર્યું, “આ ઘટનાને અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને આ ઘટના કોઈ મામૂલી ઘટના નથી. આવું ના થઈ શકે. જ્યાં સુધી આનો કોઈ આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરે આવાં જ કટ્ટરવાદી તત્ત્વો સાથે સંબંધ ન હોય ત્યાં સુધી આવી ઘટનાઓ ના ઘટી શકે, એવું અનુભવ કહે છે. એ રીતે જ આની તપાસ શરૂ કરવામાં આવી છે. “

આ દરમિયાન એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે અને કહ્યું છે કે દેશમાં કટ્ટરતા ફેલાઈ રહી છે.તેમણે પણ કહ્યું છે, “નૂપુર શર્માની ભારતના કાયદા હેઠળ ધરપકડ કરવી જોઈએ. જો કોર્ટ એને ગુનેગાર ગણે છે તો એ હિસાબે સજા પણ આપશે. “

આ ઘટનાને આતંકી હુમલો ગણવી કે કેમ એ અંગે પુછાયેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું, “હા, બિલુકલ… જે રીતે પહલુખાનને મારી નખાયો, એ આતંક હતો. અખલાકને મારી નાખ્યો એ પણ આતંક હતો. જે રીતે રાજસમંદમાં જ પશ્ચિમ બંગાળના એક મજૂરની હત્યા કરી દેવાઈ એ આતંક હતો… એ રીતે આ હત્યા પણ આતંક છે.”

કનૈયાલાલની હત્યા કેવી રીતે થઈ હતી? દુકાનના કારીગરે જણાવી સમગ્ર કહાણી

“હું છેલ્લાં દસ વર્ષથી શેઠજી (કનૈયાલાલ)ને ત્યાં દરજીકામ કરતો હતો. મંગળવારે બપોરે બે યુવક (મોહમ્મદ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ) દુકાનમાં આવ્યા. તેમણે પૂછ્યું કે ઝભ્ભો-પાયજામો સીવી આપશો? શેઠજીએ કહ્યું કે બિલકુલ સીવી આપીશું.”

“રિયાઝ ઝભ્ભા-પાયજામાનું માપ આપવા લાગ્યો. ગૌંસ ઊભો રહ્યો. હું અને મારો સાથી રાજકુમાર કપડાં સીવી રહ્યા હતા. અચનાક જ ચીસ સંભળાઇ. હું બહાર ભાગ્યો અને બાજુની દુકાન પાસે જોયું તોશેઠજી દુકાન બહાર લોહીથી લથપથ પડ્યા હતા અને સતત લોહી વહી રહ્યું હતું. મારી સાથે જેમતેમ કરીને રાજકુમાર પણ ભાગ્યો.”

“શેઠજી હંમેશાં કહેતા હતા કે કપડાં એવા સીવો કે આદમી સજી જાય. શું ખબર હતી કે જેમને સજાવવા માટે તેઓ માપ લઇ રહ્યા હતા, એ લોકો જ તેમને કફન બંધાવી દેશે. શેઠજીએ 10-15 દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ નાખી હતી. જેના પર વિવાદ થતાં પોલીસ પકડીને લઇ ગઈ હતી. બાદમાં મામલો શાંત થઈ ગયો હતો. “

દર્દનાક એ છે કે હત્યારાઓએ હત્યા કરતા પહેલાં સોશિયલ મીડિયા પર ધમકી આપી હતી. હત્યા કર્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પર કબૂલાત પણ કરી હતી.”