ઉદયનિધિ સ્ટાલિનની વિરૂધ દાખલ અરજી પર સુપ્રીમ સુનાવણી કરશે 

તમિલનાડુના મંત્રી અને DMK નેતા ઉદયનિધિ સ્ટાલિન, એ રાજા સહિત અન્ય પાર્ટી નેતાઓના સનાતન ધર્મ વિરોધી નિવેદનો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ તમામ લોકો વિરુદ્ધ વધુ એક અરજીને સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે સ્વીકારી છે. આ અરજી વકીલ વિનીત જિંદલે દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે આ અરજીને આ જ મામલે અગાઉથી પેન્ડિંગ પડેલા કેસ સાથે જોડી દીધી છે.

ગત અઠવાડિયે કોર્ટે ચેન્નાઈના એક વકીલ બી જગન્નાથની અરજી પર નોટિસ જારી કરી હતી. જસ્ટિસ અનિરુદ્ધા બોસ અને ડસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે આ અરજી પર સુનાવણી કરતા નોટિસ જારી કરી હતી. DMK નેતા સ્ટાલિનના સનાતન ધર્મને ખતમ કરવાના નિવેદન બાદથી વિવાદ મચી ગયો છે. તેમના પર અનેત સ્થળે કેસ દાખલ કરાયા છે. આ ઉપરાંત બીજેપી સતત આ મુદ્દે DMKને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે.

તમિલનાડુમાં એક કાર્યક્રમમાં DMK નેતા ઉદયનિધિ સ્ટાલિન સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે, કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનો વિરોધ કરવો કાફી નથી હોતો આવી વસ્તુઓને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવાની હોય છે. તેમણે આગળ કહ્યું હતું કે, મચ્છર, ડેન્ગ્યુ, મલેરિયા, કોરોના કેટલીક એવી વસ્તુઓ છે જેનો માત્ર વિરોધ ન કરી શકાય પરંતુ આપણે તેને હંમેશા માટે ખતમ કરી દેવા પડે છે. સનાતન ધર્મ પણ એવો જ છે. આમ ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ, મલેરિયા સાથે કરી હતી. 

જો કે, તેમના આ નિવેદન પર વિવાદ સર્જાયો છે અને ભાજપ જેવી પાર્ટીઓ તેમના પર પ્રહારો કરી રહી છે. ત્યારબાદ તેમણે પણ નરમ વલણ અપનાવ્યું. તેમણે પોતાના નિવેદનની સ્પષ્ટતા કરી હતી. ઉધયનિધિએ કહ્યું કે, મેં લોકોને એવું નથી કહ્યું કે, સનાતન ધર્મનું પાલન કરનારા લોકોનો નરસંહાર કરો. સનાતન ધર્મનો સિદ્ધાંત લોકોને ધર્મ અને જાતિના નામે વિભાજિત કરનારો છે. સનાતન ધર્મને ઉખેડી ફેંકવો એ માનવતા અને સમાનતાની સ્થાપના છે.

હજું તો ઉદયનિધિના નિવેદનને લઈને વિવાદ ચાલી જ રહ્યો કે, DMK સાંસદ એ રાજાએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, સનાતન ધર્મ પર ઉદયનિધિનું વલણ નરમ રહ્યું છે. એ રાજાએ કહ્યું કે, સનાતન ધર્મની તુલના સામાજિક કલંક વાળી બીમારીઓ સાથે થવી જોઈએ. તેમણે સનાતનની તુલના HIV અને રક્તપિત્તના રોગો જેવી કલંકિત કરનારી બીમારીઓ સાથે કરી નાખી હતી.