ઉચ્ચ અમલદારશાહીમાં એસસી-એસટીનું પ્રતિનિધિત્વ નિરાશાજનક : સંસદીય સમિતિ

  • સમિતિએ અનેક પગલાં સૂચવ્યા,જાહેર સેવાની પરીક્ષાઓ આપનારા ઉમેદવારોના નામ ખાનગી રાખવા ભલામણ.

નવીદિલ્હી, દેશમાં વહીવટીતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર એટલે કે ઉચ્ચ અમલદારશાહીમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના સાવ ઓછા પ્રતિનિધિત્વનો સ્વીકાર કરતાં સંસદીય સમિતિએ આ અસંતુલનને દુર કરવાના અનેક પગલાંની ભલામણ કરી છે. જેમાં એવું સૂચન કરાયું છે કે નિષ્પક્ષ મૂલ્યાંકન માટે જાહેર સેવાની પરીક્ષાઓ આપનારા ઉમેદવારોના નામ ખાનગી રહેવા જોઈએ.

’રોલ ઓફ મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ, પબ્લિક ગ્રિવન્સીસ ઓન્ડ પેન્શન્સ (ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ) ઇન ફોર્મ્યુલેશન, ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ મોનિટરિંગ ઓફ રિઝર્વેશન પોલિસી’ શીર્ષક હેઠળના તેના અહેવાલમાં પેનલે ભારપૂર્વક જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) ઓ માટે વિવિધ સ્તરે પ્રતિનિધિત્વ અનુક્રમે ૧૫ ટકા અને ૭.૫ ટકાની બંધારણીય રીતે ફરજિયાત ટકાવારી કરતાં ઘણું ઓછું છે.

ભારતીય જનતા પાર્ટીના સભ્ય કિરીટ સોલંકીના વડપણ હેઠળની ૩૦ સભ્યોની સમિતિએ લોક્સભામાં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ઉચ્ચ અમલદારશાહીમાં એસસી અને એસટી ઉમેદવારોનું પ્રતિનિધિત્વ ૨૦૧૭માં ૪૫૮થી વધીને ૨૦૨૨માં ૫૫૦ થયું હોવા છતાં તે અપેક્ષિત સ્તરથી નીચે રહ્યું છે. સૌથી વધુ એસસી અને એસટી ઉમેદવારોની નિમણૂક નાયબ સચિવ અથવા ડિરેક્ટરોના સ્તરે કરવામાં આવી હતી.૨૦૧૭માં ૪૨૩ જયારે ૨૦૨૨માં ૫૦૯ નિમણુંક કરાઇ હતી. સમિતિએ જણાવ્યું હતું કે, સંયુક્ત સચિવ / એએસ / સચિવના સ્તરે આ આંકડો ૨૦૧૭માં ૩૫ હતો જયારે ૨૦૨૨માં ૪૧ હતો. એટલે કે ખાસ કોઇ વધારો થયો નથી.

ભારત સરકાર હેઠળના સિનિયર હોદ્દાઓ પર અધિકારીઓની નિમણૂક ડેપ્યુટેશન પર કરવામાં આવે છે, તેમ કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલયે તેના જવાબમાં જણાવ્યું હતું. પેનલમાં સામેલ અધિકારીઓમાંથી, જેઓ ડેપ્યુટેશન માટે વિકલ્પ આપે છે તેમને સીએસએસ હેઠળ સંયુક્ત સચિવ અને તેથી ઉપરની નિમણૂક માટે યાનમાં લેવામાં આવે છે. કેન્દ્રીય સચિવાલય સેવા હેઠળ ડેપ્યુટેશનના આધારે ભરવામાં આવેલી જગ્યાઓમાં અનામતની કોઈ જોગવાઈ નથી, તેમ તેમાં જણાવાયું હતું.

મંત્રાલયના આંકડા મુજબ એસસી અને એસટી કેટેગરીમાંથી અનુક્રમે ૯૦ અને ૨૪૨ની મંજૂર સંખ્યાની સામે હાલમાં ૧૨ વધારાના સચિવો અને ૨૫ સંયુક્ત સચિવો છે. ડેપ્યુટી સેક્રેટરી અથવા ડિરેક્ટર સ્તરે, એસસી અથવા એસટી સમુદાયોના માત્ર ૭૯ અધિકારીઓ છે, જ્યારે ૫૦૯ મંજુર કરાયેલી પોસ્ટ્સ છે.સમિતિએ ભલામણ કરી હતી કે ઉમેદવારોના વાજબી મૂલ્યાંકન માટે નામો જાહેર કર્યા વિના યુનિક આઇડેન્ટિફિકેશન નંબરનો ઉપયોગ કરીને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હાજર રહેવાની મંજૂરી આપવી જોઈએ.સમિતિએ મંત્રાલય હેઠળના કર્મચારી અને તાલીમ વિભાગને નિર્દેશો જારી કરવા અને ત્રણ મહિનાની અંદર એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું.

સમિતિએ મંત્રાલયને પેનલમાં સામેલ કરવાની પ્રક્રિયામાં એસસી અને એસટીનું પ્રતિનિધિત્વ વધારવાની તમામ શક્યતાઓ ચકાસવા જણાવ્યું હતું, જેથી હાલના અસંતુલનને ઓછું કરી શકાય. સાથે સાથે એ વાત પર ભાર મૂક્યો હતો કે એસસી અને એસટી વર્ગના પુરતતા અધિકારીઓ છે જેમની પાસે પેનલમાં સામેલ થવા માટે જરૂરી અનુભવ છે. સમિતિએ એ વાત પર પણ ભાર મુક્યો છે કે એસસી /એસટી સમુદાયની જાતિનું નામ પણ પસંદગી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી જાહેર કરવામાં ન આવે જેથી આવા સમુદાય સામે કોઈપણ ભેદભાવ ઓછો થઈ શકે. પેનલે લગભગ તમામ મંત્રાલયો, વિભાગો, જાહેર ક્ષેત્રના એકમો અને સરકારી બેંકોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં એસસી અને એસટી સભ્યોની હાજરી નહિવત્ અથવા તો બિલકુલ નહીં હોવાનું પણ જણાવ્યું હતું અને કહ્યું હતું કે તેનાથી તેઓ નિર્ણય લેવાની પ્રક્રિયા અને નીતિવિષયક બાબતોમાં સામેલ થઇ શક્તા નથી.

તેનું સૌથી સામાન્ય કારણ એવું આપવામાં આવે છે કે કે યોગ્ય ઉમેદવારો ઉપલબ્ધ ન હોવાથી એસસી/એસટી સમુદાયના અધિકારીઓની સભ્ય અને અધ્યક્ષ તરીકે નિમણૂંક થઈ શક્તી નથી. જોકે સમિતિએ આવા જવાબો સ્વીકારવા તૈયાર નથી કારણ કે એસસીએસ/એસટીમાં ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપલબ્ધ છે.