ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ, દેશનું પ્રથમ રાજ્ય બન્યું:CM પુષ્કર સિંહે કરી જાહેરાત, લગ્ન અને લિવ-ઇન રજિસ્ટ્રેશન ફરજિયાત, લગ્ન, છૂટાછેડાથી લઈને વસિયતનામા સુધી આજથી નવા નિયમો

ઉત્તરાખંડમાં આજથી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થઈ ગયો છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ મુખ્યમંત્રી આવાસ પર આની જાહેરાત કરી હતી. આ દરમિયાન, મુખ્યમંત્રીએ યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ- 2024ના અમલીકરણ માટેના નિયમો અને પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. આ પોર્ટલ સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવ્યું છે. તમે https://ucc.uk.gov.in પર લોગ ઇન કરી શકો છો.

ઉત્તરાખંડે આજે ઈતિહાસ રચ્યો છે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું છે. ઉત્તરાખંડમાં આજે આ ઐતિહાસિક કાયદો લાગુ કરવામાં આવ્યો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમગ્ર ઉત્તરાખંડમાં UCC લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદો રાજ્યની બહાર રહેતા ઉત્તરાખંડના લોકોને પણ લાગુ થશે.

સીએમ ધામીએ કહ્યું કે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. અમે 3 વર્ષ પહેલાં રાજ્યની જનતાને જે વચન આપ્યું હતું તે અમે પૂરું કર્યું. અમારી ટીમે UCC માટે ખૂબ જ ખંતથી અને સખત મહેનત કરી.

UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

આજથી ઉત્તરાખંડમાં બહુચર્ચિત કાયદો યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC લાગુ કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં UCC નિયમોના અમલ સાથે, આ રાજ્ય આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. UCCનો અમલ થતાંની સાથે જ આજથી ઘણી બધી બાબતો બદલાવાની છે. તેનો અમલ કરીને રાજ્ય સરકારે લોકોને પણ આ અંગે જાગૃત કર્યા છે. આજે UCCનું એક પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે.

યુનિફોર્મ સિવિલ કોડથી શું બદલાશે, 5 મુદ્દામાં સમજો…

સમાન મિલકતનો અધિકારઃ પુત્ર અને પુત્રી બંનેને મિલકતમાં સમાન અધિકાર મળશે. તે કઈ કેટેગરીના છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

મૃત્યુ પછીની મિલકત: જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, તો યુનિફોર્મ સિવિલ કોડ તે વ્યક્તિની મિલકતને પત્ની અને બાળકો વચ્ચે સમાનરૂપે વહેંચવાનો અધિકાર આપે છે. આ સિવાય તે વ્યક્તિનાં માતા-પિતાને પણ મિલકતમાં સમાન અધિકાર મળશે. અગાઉના કાયદામાં આ અધિકાર માત્ર મૃતકની માતાને જ મળતો હતો.

સમાન આધારો પર છૂટાછેડા મળશે: પતિ અને પત્નીને છૂટાછેડા ત્યારે જ આપવામાં આવશે જ્યારે બંને પાસે સમાન આધાર અને કારણો હોય. જો માત્ર એક જ પક્ષ કારણ આપે તો છૂટાછેડા મંજૂર કરવામાં આવશે નહીં.

લિવ-ઇન રજિસ્ટ્રેશન જરૂરીઃ જો ઉત્તરાખંડમાં રહેતા કપલ્સ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હોય તો તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો કે આ સેલ્ફ ડિક્લેશન જેવું હશે, પરંતુ આ નિયમ અનુસૂચિત જનજાતિના લોકોને આમાંથી મુક્તિ હશે.

બાળકની જવાબદારીઃ જો બાળક લિવ-ઈન રિલેશનશિપમાંથી જન્મ્યું હોય તો તેની જવાબદારી લિવ-ઈન કપલની રહેશે. બંનેએ પોતાનું નામ પણ તે બાળકને આપવાનું રહેશે. આનાથી રાજ્યના દરેક બાળકને ઓળખ મળશે.

જણાવીએ કે રાજ્યના મુખ્યમંત્રીએ રવિવારે કહ્યું હતું કે સોમવાર એટલે કે 27 જાન્યુઆરીથી UCC નિયમો લાગુ કરવાના છીએ. UCC નિયમો લાગુ કરતા પહેલાં આ અંગે લાંબી કવાયત હાથ ધરવામાં આવી હતી. લોકોની સલાહ લેવામાં આવી અને સમગ્ર ઉત્તરાખંડના લોકો પાસેથી સલાહ પણ લેવામાં આવી હતી. આ માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. હાલમાં, કેબિનેટે UCCના નિયમો પર તેની સંમતિ વ્યક્ત કરી હતી.

ઉત્તરાખંડમાં UCC અમલીથી શું ફેરફારો થશે તે પણ જાણો…

  • હવે તમામ ધાર્મિક સમુદાયોમાં લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને વારસા માટે સમાન કાયદો હશે. લગ્નનું રજિસ્ટ્રેશન હવે ફરજિયાત રહેશે.
  • લગ્નના છ મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. 26 માર્ચ, 2010 પહેલાંના લગ્નોનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નહીં રહે. રજિસ્ટ્રેશન ન કરવા બદલ વધુમાં વધુ પચીસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. જો તમે રજિસ્ટ્રેશન નહીં કરો તો તમને સરકારી સુવિધાઓનો લાભ નહીં મળે.
  • મહિલાઓને પણ પુરુષોની જેમ છૂટાછેડા લેવાનો અધિકાર હશે. પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર હશે અને કાયદેસર અને ગેરકાયદેસર બાળકોમાં કોઈ મતભેદ રહેશે નહીં.
  • કોઈપણ જાતિ, ધર્મ અથવા સંપ્રદાયના લોકોને છૂટાછેડાનો એક સમાન કાયદો લાગુ પડશે. હાલમાં દેશમાં દરેક ધર્મ અનુસાર આ કેસોનો નિકાલ થાય છે.
  • હવેથી ઉત્તરાખંડમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ લાગશે. છોકરીઓના લગ્નની ઉંમર જાતિ કે ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન રહેશે. લગ્ન કરવા માટે છોકરીઓની ઉંમર 18 વર્ષની હોવી જરૂરી છે.
  • UCC લાગુ થવાથી ઉત્તરાખંડમાં હલાલા જેવી પ્રથા પણ બંધ થવા જઈ રહી છે. વળી, હવેથી વારસામાં છોકરીઓને પણ છોકરાઓની સમકક્ષ ગણવામાં આવશે.
  • કપલ માટે તેમના લિવ-ઈન રિલેશનશિપને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જો કોઈ દંપતીની ઉંમર 18 થી 21 વર્ષની વચ્ચે હોય, તો તેઓએ રજિસ્ટ્રેશન દરમિયાન તેમનાં માતાપિતા પાસેથી સંમતિપત્ર પણ આપવો પડશે.
  • અનુસૂચિત જનજાતિને UCCના નિયમો અને કાયદામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવી છે. આ સિવાય ટ્રાન્સજેન્ડર અને ધાર્મિક બાબતો જેમ કે પૂજાના નિયમો અને પરંપરાઓ સાથે કોઈ ચેડાં કરવામાં આવ્યાં નથી.