ઈન્દોરઃ શિવમ દુબે (32 બોલમાં અણનમ 63 રન) અને યશસ્વી જાયસવાલ (34 બોલમાં 68 રન) ની શાનદાર ઈનિંગની મદદથી ભારતીય ટીમે ઈન્દોરમાં રમાયેલી બીજી ટી20 મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 172 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે 15.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને પ્રથમ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા શૂન્ય રન બનાવી બોલ્ડ થયો હતો. રોહિત સતત બીજી ટી20 મેચમાં ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ મેચમાં રોહિત રનઆઉટ થયો હતો. પરંતુ યશસ્વી જાયસવાલે પાવરપ્લેમાં ફટકાબાજી કરી હતી. જાયસવાલે માત્ર 34 બોલમાં 6 સિક્સ અને પાંચ ચોગ્ગા સાથે 68 રન બનાવ્યા હતા.
આશરે 14 મહિના બાદ ટી20 આંતરરાષ્ટ્રીયમાં વાપસી કરી રહેલા વિરાટ કોહલીએ પણ આક્રમક બેટિંગ કરી હતી. કોહલીએ 16 બોલમાં 5 ચોગ્ગા સાથે 29 રન બનાવ્યા હતા. બીજીતરફ શિવમ દુબે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. શિવમ દુબેએ સતત બીજી મેચમાં અણનમ અડધી સદી ફટકારી હતી. દુબે 62 બોલમાં 5 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 63 રન બનાવી અણનમ રહ્યો હતો. જીતેશ શર્મા પણ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. જ્યારે રિંકુ સિંહ 9 રન બનાવી અણનમ રહ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 172 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી ગુલબદ્દીન નાયબે 35 બોલમાં 57 રન ફટકાર્યા હતા. આ સિવાય મુઝીબે 21, નજીબુલ્લાહે 23 અને કરિમ જનતે 20 રનનું યોગદાન આપ્યું હતું. વિકેટકીપર બેટર ગુરબાઝ 14 રન બનાવી આઉટ થયો હતો.
ભારત તરફથી અર્શદીપ સિંહે 4 ઓવરમાં 32 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય રવિ બિશ્નોઈ અને અક્ષર પટેલને બે-બે તથા શિવમ દુબેને એક સફળતા મળી હતી.