દુબઈ : યુએઇ વાસીઓ સાથે હજના નામે ફ્રોડ કરનારા ૪૪ વર્ષના ભારતીયની ધરકડ કરવામાં આવી છે. તેણે લગભગ ૧૫૦ જેટલા યુએઇ નાગરિક પાસેથી છ કરોડ રુપિયા હજયાત્રાના નામે એડવાન્સ પેમેન્ટ પેટે લીધા હતા.
શારજાહ સ્થિત બૈતુલ અતીક ટ્રાવેલ એજન્સી ચલાવતા શબીન રશીદને આ મહિને દુબઈ પોલીસે કસ્ટડીમાં લીધો છે. રશીદે યુએઇના ૧૫૦ નાગરિકો સાથે હજયાત્રાના નામે છેતરપિંડી કરી હતી.
પ્રારંભમાં તો રશીદે માફી માંગી હતી અને દાવો કર્યો હતો કે વિઝા જારી કરવામાં છેલ્લી મિનિટમાં થયેલા ફેરફારના લીધે આ સ્થિતિનું સર્જન થયું હતું. તેણે નાણા પરત કરવાનું વચન આપ્યું હતું. પણ સમય વીતવા સાથે તેણે કોઈપણ પ્રકારનું રિફંડ આપ્યું ન હતું અને અગાઉ પણ તે આવું કરી ચૂક્યો હોવાના અહેવાલ બહાર આવી રહ્યા છે. ઘણા લોકોએ રશીદ સામે ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ થઈ હતી, એમ રિપોર્ટે જણાવ્યું હતું.
દુબઈના રહેવાસી સાબિક ઇમામે તેને ગયા વર્ષે ૨૦ હજાર દિરહામ ચૂકવ્યા હતા અને જણાવ્યું હતું કે તેને પાંચ હજાર દિરહામ જ મળ્યા છે. શારજાહમાં એક વિધવાએ તેના ટીનેજ પુત્ર સાથે યાત્રા કરવા માટે ૧,૩૦,૦૦૦ દિરહામની ચૂકવણી કરી હતી. તેને તેના ભંડોળનો ફક્ત ૧૩ ટકા જ હિસ્સો મળ્યો છે, એમ તેણે દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું.
હજી સુધી તે સ્પષ્ટ થયું નથી કે રશીદ કે તેની કંપની સાથે કેટલી ફરિયાદ નોંધાઈ છે. કેટલાને નાણા અંશત: ધોરણે મળ્યા છે. અગાઉ રશીદે દાવો કર્યો હતો કે તેણે ૨૦ જણા નાણા પરત કરી દીધા છે, પરંતુ તે તેમના નામ અને કોન્ટેક્ટ નંબર આપવામાં નિષ્ફળ ગયો હતો.