
- અમદાવાદ અને ગાંધીનગરની થ્રી સ્ટાર હોટલના ભાડા ૨૦ હજારથી દોઢ લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે.
ગાંધીનગર, વાઇબ્રન્ટ સમિટમાં સામેલ થવા માટે સંયુક્ત અરબ અમીરાત ( યુએઈ ) ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસી અને રશિયાના એક વરિષ્ઠ મંત્રી ગુજરાતનાં મહેમાન બનશે. આટલું જ નહીં કોર્પોરેટ અને બિઝનેસ જગતના એક લાખથી વધુ લોકો અમદાવાદ અને ગાંધીનગર આવશે. ગુજરાત સરકાર દ્વારા સમિટ માટે અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ વાત એ છે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે અમદાવાદમાં જ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એવામાં જ્યારે તેઓ ફરી અમદાવાદની ધરતી પર પગ મૂકશે કે એ પળ ખરેખર તેમના માટે ખૂબ જ ખાસ હશે.
યુએઈ ના રાષ્ટ્રપતિ અલ નાહ્યાન અને પ્રધાનમંત્રી મોદીની ગાઢ મિત્રતાથી તો આખી દુનિયા વાકેફ છે, આ મિત્રતાની ઝલક ફરીવાર જોવા મળશે. એક જ મહિના બાદ પ્રધાનમંત્રી મોદી પણ યુએઈ ના મહેમાન બનવાના છે જ્યાં સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ કરવામાં આવશે. સમિટમાં દુનિયાભરમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ગુજરાત આવી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી દર બે વર્ષે આ સમિટનું આયોજન કરવામાં આવે છે, જોકે કોરોના વાયરસના વિધ્નના કારણે આ વખતે ચાર વર્ષ બાદ સમિટ યોજાઇ રહી છે. છેલ્લી સમિટ ૨૦૧૯માં યોજાઇ હતી. પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ઉદ્યોગોને આકર્ષવા માટે આ સમિટની શરૂઆત કરાવી હતી.
૧૦મી વાઇબ્રન્ટ સમિટ રાજ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ વખતે ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સાથે સાથે રોકાણના નવા રેકૉર્ડ પણ સર્જાય તેવી શક્યતા છે. આ વખતે સમિટ પહેલા જ સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાનો મોટો નિર્ણય પણ કર્યો છે, જેની અસર પણ સમિટ પર જોવા મળી શકે છે. આ વખતે વાઇબ્રન્ટ સમિટમાં ઘણા બધા એલાન થઈ શકે છે જેમાં સૌથી વધુ ફોક્સ ઓટો સેક્ટર પર રહેશે. ઈલેક્ટ્રિક કાર બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની ટેસ્લા ગુજરાતમાં પ્લાન્ટ બનાવવાનું એલાન પણ કરી શકે છે:. આ સિવાય મારુતિ કંપની પણ એલાન કરે તેવી શક્યતા છે. ઓટો સેક્ટર સિવાય સેમીકંડક્ટર સેક્ટરની કંપનીઓ પણ ગુજરાતમાં નવા બિઝનેસની શરૂઆતને લઈને મોટા એલાન કરી શકે છે.
અમદાવાદ અને ગાંધીનગરની થ્રી સ્ટાર હોટલના ભાડા ૨૦ હજારથી દોઢ લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે જ્યારે ફાઇવ સ્ટાર હોટલમાં સુઈટ બે લાખ રૂપિયામાં મળી રહ્યા છે. ચાર વર્ષ બાદ આયોજિત સમિટમાં ભાગ લેવા માટે દેશ અને વિદેશના ૭૦ હજાર લોકોએ નોંધણી કરાવી છે અને એક લાખથી વધુ લોકો અમદાવાદ અને ગાંધીનગરના મહેમાન બનવા જઈ રહ્યા છે.
ગુજરાતના મહેમાન બનતા લોકોને આસપાસના ફરવા લાયક સ્થળોની પણ જાણકારી આપવામાં આવશે. ગુજરાત સરકાર તરફથી રસજીસ્ટર્ડ ડેલિગેટ માટે ખાસ હોટલોમાં રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કોર્ટીયાડ મેરિયટ, ક્રાઉન પ્લાઝા, ફેરફિલ્ડ મેરિયટ, ફોર્ચ્યુન લેન્ડમાર્ક, હયાત અમદાવાદ, નૉવેટેલ, પ્રાઈડ પ્લાઝા, રેડિસન બ્લૂ જેવી સેવન સ્ટાર હોટલો સામેલ છે.