વોશિંગ્ટન : અમેરિકાના સૌથી મોટા રાજ્યોમાંના એક કેલિફોર્નિયા સ્ટેટ હાઉસમાં જાતિના ભેદભાવ પર પ્રતિબંધ મૂક્તું બિલ પસાર કરવામાં આવ્યું છે. હવે તે તેના ભેદભાવ વિરોધી કાયદાઓમાં સંરક્ષિત કેટેગરી તરીકે જાતિ ઉમેરનાર પ્રથમ યુએસ રાજ્ય બન્યું છે.
આ બિલ ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. હવે તેને કાયદામાં સહી કરવા માટે ગવર્નર ગેવિન ન્યૂઝમને મોકલવામાં આવી છે. આ બિલનો ઉદ્દેશ્ય જાતિના ભેદભાવનો સામનો કરવાનો અને રાજ્યમાં રહેતા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે સુરક્ષાને મજબૂત કરવાનો છે.
રાજ્યના સેનેટર આયેશા વહાબ દ્વારા સૌપ્રથમ રજૂઆત કરવામાં આવી હતી. બિલ એસબી-૪૦૩ સેનેટમાં પહેલાથી જ મંજૂર કરવામાં આવ્યું હતું. ત્યાં થયેલા વોટિંગમાં તેની તરફેણમાં ૩૪ જ્યારે વિરોધમાં માત્ર ૧ વોટ પડ્યો હતો. હવે આ બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું, જ્યાં તેને પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યપાલની સહી બાદ તે કાયદો બની જશે.
ગૃહમાં બિલ પાસ થયા બાદ વહાબે તમામનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે એસબી ૪૦૩ ના સમર્થનમાં મતદાન કરનારા તમામ સભ્યોનો આભાર. અમે એસબી ૪૦૩ દ્વારા લોકોને ભેદભાવથી બચાવીએ છીએ. જો કે, કોએલિશન ઓફ હિંદુઝ ઓફ નોર્થ અમેરિકા એ તેને કેલિફોર્નિયા ના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો હતો.
આ કાયદો કેલિફોર્નિયા ના અનરુહ નાગરિક અધિકાર અધિનિયમ, શિક્ષણ અને હાઉસિંગ કોડમાં વંશાવળી હેઠળ સંરક્ષિત શ્રેણી તરીકે જાતિ ઉમેરવા માટે સુધારો કરશે. આ વર્ષની શરૂઆતમાં રજૂ કરવામાં આવ્યું ત્યારથી, બિલ ઘણા તબક્કાઓમાંથી પસાર થયું છે. આના પરિણામે ઘણી મજૂર અને નાગરિક અધિકાર સંસ્થાઓ તરફથી મોટાભાગે દ્વિપક્ષીય સર્વસંમતિ પ્રાપ્ત થઈ છે.