ચૂંટણી એ લોકશાહીનો પર્વ છે. લોકશાહીની લાજ જાળવવી એ આપણા સૌની પવિત્ર ફરજ છે. જ્ઞાાતિગત સમીકરણો માત્રથી અથવા ધામક લાગણીઓ ભડકાવીને કે કોઈપણ પ્રકારના ભેદભાવ ઉભા કરીને જ ચૂંટણી અગર જીતી શકાતી હોય તો એવી લોકશાહી શું કામની! પર્ફોર્મન્સ બેસિઝ વોટીંગ થાય, લાયકાત જોઈને મતદાન થાય એ ખુબ જરૃરી છે. સારા ઉમેદવારને જનતાના હિત માટે પસંદ કરવાનો વિવેક આપણે કરી શકીએ એવી સુમંગલ લોકશાહી વ્યવસ્થા હોવાનું આપણને સૌને ગૌરવ છે. ત્યારે હવે મતદાનની ફરજ સૌ કોઈએ તો નહીં પણ, ૭૦% લોકોએ પોતાની સમજ સાથે મતદાન કર્યું છે તે ભારત માટે ગૌરવની વાત છે.
કોઈપણ લોકશાહી માટે ચૂંટણીથી મોટો તહેવાર ક્યો હોઈ શકે! કોઈને ચૂંટવું એ મોટી જવાબદારીનું કામ છે. આગામી પાંચ વર્ષના તમામ નિર્ણયો આપણા વતી અન્ય કોઈને લેવાની સત્તા આપવી હોય, એ માટે કેટલી ફેરવિચારણા કરવી પડે! અગાઉ પસંદ કરેલ ઉમેદવારો આપણી ઉમ્મીદ ઉપર ખરા ઉતર્યા કે નહિ એની સમીક્ષા કરી શકાય. પુન:વિચારણા કરી શકાય. નવા ચહેરાને તક પણ આપી શકાય. કેટલુંય કરી શકાય જો કરીએ તો. હવે આટલી સારી સિસ્ટમનો અત્યાર સુધી આપણે કેવી રીતે ઉપયોગ કર્યો? આઝાદીના પંચોતેર વર્ષો સુધી આપણે શું કર્યું? પંચોતેર વર્ષ પહેંલા આપણા લોકનાયકોએ કેવી સ્વતંત્રતાનું સ્વપ્ન જોયું હતું? એ સ્વપ્નાઓ સાકાર થયા છે ખરા? ગરીબી નાબુદ થઈ ગઈ છે? ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો છે? બેરોજગારી ઘટી છે? ભાષા, ધર્મ, પ્રદેશ કે જાતિના નામે આજેય ભાગલા પાડીને રાજ કરાય છે કે સમન્વય સધાય છે? આ બધા પ્રશ્ર્નો વિશે ગંભીરતાથી વિચાર કરીને જ પ્રજાએ મતદાન કર્યું છે.
આ બધી બાબતે પ્રજા તરીકે આપણું ર્ક્તવ્ય શું? ચાણક્યએ એના અર્થશાસ્ત્રમાં કહ્યું છે કે યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય તેવી પ્રજા હોય. પરંતુ આ તો લોકશાહી છે. એટલે કે લોકોનું રાજ્ય છે. લોકશાહી વંશપરંપરાગત ગાદીનો હક નથી આપતી. એ તો લોકોના સમુહમાંથી ચુંટાયેલા લોકોને શાસન કરવાનો અધિકાર આપે છે અને લોકો એ અધિકાર પાછો ખેંચવાનો હક પણ ધરાવે છે. આમ, આપણી મૂળભૂત જરૃરિયાત પુરી ન થાય એ માટે જવાબદાર પણ આપણે જ છીએ ને! ભેદભાવ પ્રેરિત ભડકાઉ ભાવનાઓમાં વહી જવું કે નહિ એ આપણો સ્વતંત્ર નિર્ણય હોય શકે! ઉભયપક્ષે કરવા પડતા વિચારના વિરોધને લીધે અંગત વિરોધ સહન કરવાનો વારો પણ આવે. તેથી અત્યારે અસહિષ્ણુતા એ આજના સમયની મોટી નબળાઈ છે. કોમનમેનથી લઈને કોમરેડ -મુખ્ય નેતા સુધી મતભેદ સહન નહિ કરવાની ક્ષમતા સામાન્ય છે. વિચારોના વિરોધને અંગત વિરોધ માનીને મતભેદ મનભેદ સુધી પહોંચી જાય છે. જુદા મતનું માન રાખીને પોતાના વિચારને દ્રઢ્ઢ રીતે રજૂ કરવાના બદલે અંગત આક્ષેપો ઉપર ઉતરી પડતા હોય છે. આ પણ એક પ્રકારની કટ્ટરતા જ છે. કટ્ટરતાને કાટ લાગે અને સહિષ્ણુતા વધે એ માટે શું કરવું જોઈએ? જવાબ છે સુવિચારોનું વાવેતર.
આ સુવિચારની ખેતી કેવી રીતે કરી શકાય? શ્રવણ, પઠન, દ્રષ્યપટ. વાંચનથી વિચારોને વિસ્તારી શકાય. વિચાર પુસ્તકના માયમથી મસ્તક સુધી પહોંચે છે. મનુષ્ય વિચારી શકે છે એ લક્ષણ એને પ્રાણીથી જુદો પાડે છે. . દળદાર પુસ્તકોની ચરબીનો થર હટાવીને રસપ્રદ અને સત્વશીલ વાંચન વાંચક સામે મુકવામાં આવે તો આજેય એ વંચાય અને વેચાય પણ. રાજ્યની પ્રજાને વિચારાવાન બનાવવાના જે જે ૠષિઓએ પ્રયાસો કર્યા છે એમના આપણે ૠણી રહીશું. આ દેશની લોકશાહી આજે ટકી શકી છે તો એ પ્રજ્ઞાપુરુષોને કારણે જ! વિચારવા માટે વાંચવું જરૃરી છે. શાસકોને રીડર્સ કરતા ફોલોવર્સ વધારે અનુકૂળ આવે. વિચારી શકે એ વિરોધ પણ કરી શકે. એટલે વિચારવંત પ્રજા સત્તાને ક્યારેય અનુકૂળ ન આવે. ચૂંટણીમાં ઉભો રહેલ કોઈપણ ઉમેદવાર આપણો શાસક બનવા લાયક ન હોય ત્યારે નોટાનું શ પણ છે. અગર લોકમત જ કોઈ નેતાને નહિ સ્વીકારે ત્યારે તમામ પક્ષે સારા ઉમેદવારને મેદાને ઉતારવાની ફરજ પડશે.