- મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજને તુનીશાના મોતને લવ જેહાદનો મામલો ગણાવ્યો.
મુંબઇ,
ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના મોતનો મામલો આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. અભિનેત્રીએ ૨૪ ડિસેમ્બરે સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. હવે દરેકના મનમાં એક જ સવાલ છે કે તુનીશાએ આટલું મોટું પગલું કેમ ભર્યું? પોલીસ પણ આ મામલે તપાસમાં લાગેલી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તુનિષાના આ પગલાને કારણે સેટ પરના લોકો કંઈપણ કહેતા ડરે છે.
ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનના પ્રમુખ સુરેશ ગુપ્તાએ આ વિશે જણાવ્યું છે. સુરેશ ગુપ્તાએ કહ્યું, “આજે હું સેટ પર ગયો હતો. ત્યાં લોકો કંઈપણ કહેતા ડરે છે. ઘણી અભિનેત્રીઓએ મને કહ્યું કે આ મર્ડર છે અને તેઓ પોતે ડરી ગઈ છે. અમે માંગ કરીએ છીએ કે મામલાની તપાસ કરે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજને તુનીશાના મોતને લવ જેહાદનો મામલો ગણાવ્યો છે. તેણે કહ્યું, “આ લવ જેહાદનો મામલો છે અને પોલીસ તેની તપાસ કરી રહી છે. અમે જોઈ રહ્યા છીએ કે આવા કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે અને અમે તેની સામે કડક કાયદો લાવવાનું વિચારી રહ્યા છીએ. આ પહેલા બીજેપી નેતા રામ કદમે પણ કહ્યું હતું કે લવ જેહાદનો મામલો સામે આવશે તો તેની તપાસ કરવામાં આવશે. જોકે મુંબઈ એસપી ચંદ્રકાંત જાધવ વતી એવું કહેવામાં આવ્યું હતું કે હજુ લવ જેહાદનો એન્ગલ સામે આવ્યો નથી.
પોલીસ તુનીશાના આત્મહત્યા કેસની તપાસમાં લાગેલી છે. તુનીષાની માતાની ફરિયાદના આધારે પોલીસે અગાઉ તુનીશાની અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ સિરિયલના કો-સ્ટાર શીઝાન ખાનની અટકાયત કરી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસને શીઝાનના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને હવે પોલીસ શીજાનની પૂછપરછ કરી રહી છે.મુંબઈ પોલીસના એસપી ચંદ્રકાંત જાધવે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલાની માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે શીજાન અને તુનીષા એકબીજા સાથે રિલેશનશિપમાં હતા અને પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું, જેના કારણે તુનિષા પરેશાન હતી અને પછી તેણે આત્મહત્યા કરી લીધી. જોવું રહ્યું કે પોલીસની વધુ તપાસમાં શું સામે આવે છે?
તુનિષા એક એવી અભિનેત્રી હતી, જેણે પોતાની એક્ટિંગના દમ પર નાની ઉંમરમાં જ મોટી ઓળખ બનાવી હતી. તેણીના મૃત્યુ પહેલા, તેણી એસએબી ટીવી શો અલી બાબા: દાસ્તાન-એ-કાબુલમાં રાજકુમારી મરિયમની ભૂમિકામાં જોવા મળી હતી. નાના પડદાની સાથે, તે ઘણી બોલીવુડ ફિલ્મોમાં પણ જોવા મળી હતી, જેમાં બાર બાર દેખો, ફિતુર અને દબંગ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.