31મી ડિસેમ્બરે યુપીના મુરાદાબાદમાં ગૌરીશંકર મંદિર ખોલવામાં આવ્યું. મુસ્લિમ વસાહત ‘ઝબ્બુ કા નાલા’માં તે 44 વર્ષથી બંધ હતું. ડીએમ અનુજ સિંહ ભારે પોલીસ ફોર્સ સાથે સ્થળે પહોંચ્યા. મંદિરનું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે તેમાં શિવલિંગ, નંદી અને હનુમાનજીની ખંડિત મૂર્તિઓ મળી આવી.
વહીવટીતંત્રે વિસ્તારના લોકો સાથે વાત કરી તો ખબર પડી કે 1980માં રમખાણો થયાં હતાં. જેમાં મંદિરના પૂજારીની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ટોળાએ મંદિરની મૂર્તિઓ તોડી નાખી હતી. વહીવટીતંત્ર હવે આ મંદિરમાં સુધારો કરીને ફરીથી નિયમિત પૂજા કરાવવાની તૈયારી કરી રહ્યું છે. અહીં વસાહતના મુસલમાનોનું કહેવું છે કે તેમને પૂજાથી કોઈ વાંધો નથી.
છેલ્લા 30 દિવસમાં દેશભરમાં વકફ પ્રોપર્ટી અને મુસ્લિમ વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં 5 મોટાં હિન્દુ મંદિરો મળી આવ્યાં છે. ભાસ્કરે મુસ્લિમ વસતિવાળા વિસ્તારોમાં જોવા મળતાં મંદિરોની પેટર્નને સમજી.
મોટા ભાગનાં નવાં મંદિરો એવા વિસ્તારોમાં મળ્યાં જ્યાં કોમી હિંસાને કારણે લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે દેશના વિવિધ ભાગોમાં આવાં 80થી વધુ મંદિરો છે, જે ઘણા દાયકાઓથી બંધ હતા.
5 દિવસ પહેલાં મુસ્લિમ વસતિમાં મળેલા ગૌરીશંકર મંદિરેથી શરૂઆત… ‘ઝબ્બુ કા નાલા’ વિસ્તાર મુરાદાબાદ રેલવે સ્ટેશનથી લગભગ એક કિમી દૂર છે. અહીંની 90% વસતિ મુસ્લિમ છે. મુખ્ય માર્ગથી લગભગ 200 મીટર ગયા પછી એક જૂનું મંદિર છે. લગભગ 1000 ચોરસ ફૂટ જમીનમાં બનેલા આ મંદિરમાં 44 વર્ષ બાદ પહેલીવાર 31 ડિસેમ્બરે પૂજા કરવામાં આવી હતી.
26 ડિસેમ્બર 2024ના રોજ હિન્દુ સંગઠનોના લોકોએ ડીએમ અનુજ સિંહને એક પત્ર આપ્યો. તેમાં ગૌરીશંકર મંદિરનો નકશો હતો જે 1980થી બંધ હતું. મંદિર વિશે જાણ થયા પછી DMએ SDM રામ મોહન મીણા પાસેથી તેનો રિપોર્ટ માગ્યો.
પ્રશાસને 27 ડિસેમ્બરે મંદિર સાથે જોડાયેલા લોકો પાસેથી આ અંગેની માહિતી એકત્ર કરી. મંદિરના પૂજારી ગંગાશરણની 40 વર્ષ પહેલાં હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું. આ પછી તેમનો પરિવાર ત્યાંથી 8 કિમી દૂર લાઇનની આજુબાજુના વિસ્તારમાં સ્થાયી થયો. ત્યારથી તે બંધ હતું.
પ્રશાસનને જાણવા મળ્યું કે મુસ્લિમ વસતિના લોકોએ મંદિરની બાઉન્ડ્રી તોડીને ત્યાં પાર્કિંગ કરી દીધું છે. મંદિરના પ્રવેશદ્વારને ગેરકાયદેસર રીતે દીવાલથી ઢાંકી દેવામાં આવ્યો છે. જેના કારણે મંદિર સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું. જ્યારે આ સમાચાર ડીએમ સુધી પહોંચ્યા તો વહીવટીતંત્ર સક્રિય થઈ ગયું.
31 ડિસેમ્બરે ડીએમ અનુજ સિંહ બે પોલીસ સ્ટેશનની ફોર્સ સાથે સ્થળ પર પહોંચ્યા. ભારે પોલીસ બંદોબસ્ત જોઈને મુસ્લિમ વસતિના લોકો પણ એકઠા થઈ ગયા. બપોરે 12 વાગ્યે મંદિર ખોલવામાં આવ્યું. આ પછી ખોદકામ શરૂ થયું. ખોદકામ દરમિયાન મંદિરની દીવાલ પર હનુમાનજીની આકૃતિ દેખાવા લાગી.
અમે નજીકના લોકો પાસેથી મંદિર વિશે પૂછપરછ કરી. અમને તેના ઇતિહાસ સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ મળી. બધામાં એક વસ્તુ સમાન હતી, 1980નાં મુરાદાબાદ રમખાણો. તે સમયે આ વિસ્તારમાં 50થી વધુ હિન્દુ પરિવારો રહેતા હતા. ત્યારે તેને ઝબ્બુ કા નાલા બસ્તી કહેવામાં આવતી. વસાહત હજુ પણ છે, પરંતુ હવે અહીં એક પણ હિન્દુ પરિવાર રહેતો નથી. તેના પ્રતીક તરીકે માત્ર ગૌરીશંકર મંદિર જ છે.
શહેરના સિવિલ લાઇન વિસ્તારમાં રહેતા સેવારામ આ મંદિરના પૂજારી છે. તેઓ તેની સંભાળ રાખે છે. સેવારામ કહે છે, ‘મુરાદાબાદ રમખાણોમાં અન્ય સમુદાયના લોકોએ અમારા બાબા ગંગાશરણની હત્યા કરી હતી. અમને તેમની લાશ પણ મળી નહીં. પાછળથી અમને ખબર પડી કે લોકોનાં ટોળાએ તેમના મૃતદેહને આગમાં ફેંકી દીધો હતો.’
મુસ્લિમ વસાહતમાં હિન્દુ મંદિર મળવાના સમાચાર મીડિયામાં આવતા જ અન્યત્ર સ્થાયી થયેલા હિન્દુ પરિવારો અહીં પરત ફરવા લાગ્યા. ઘણાં હિન્દુ સંગઠનોએ પ્રશાસનને અહીં ફરીથી પૂજા શરૂ કરવાની માગ કરી છે. મુરાદાબાદની ભારતીય સંસ્કૃતિ રક્ષા સમિતિ એક એવી સંસ્થા છે જે હિન્દુ મંદિરોનું રક્ષણ કરે છે.
તેના વડા ધિરશાંત દાસ કહે છે, ‘આ મંદિર લગભગ 200 વર્ષ જૂનું છે. અમે તેના 7 પેઢીના પૂજારીઓનો ડેટા શોધી કાઢ્યો છે. અમને આ મંદિર સાથે સંબંધિત 1954નો નકશો પણ મળ્યો છે, જેમાં મંદિરની રચના સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે.