ટ્યૂશન ક્લાસ 1 ફેબ્રુઆરીથી શરૂ, સંચાલકો અને વાલીઓએ આ કરવું પડશે

ગુજરાતમાં છેલ્લા 11 મહિનાથી બંધ પડેલા ટ્યુશન ક્લાસ 1લી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહ્યાં છે ત્યારે તેમાં કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટેની નક્કી કરેલી ગાઇડલાઇન પ્રમાણે ટ્યુશન ક્લાસના સંચાલકોએ પગલાં લેવા પડશે, અન્યથા ટ્યુશન ક્લાસ અનિશ્ચિત મુદ્દત સુધી બંધ થઇ શકે છે. આ ગાઇડલાઇન સામે કેટલાક ટ્યુશન સંચાલકોએ બાળકોના વાલીઓ પાસેથી સંમતિપત્ર લેવાનું શરૂ કર્યું છે અને કહ્યું છે કે વાલીની સંમતિ વિના બાળકોને ટ્યુશન ક્લાસમાં એન્ટ્રી નહીં મળી શકે.

ગુજરાતમાં પહેલાં ધોરણ-10 અને ધોરણ-12ની સ્કૂલો શરૂ કરવામાં આવી હતી અને હવે 1લી ફેબ્રુઆરીથી ધોરણ-9 અને ધોરણ-11ની સ્કૂલો ખૂલી રહી છે. આ સાથે ટ્યુશન સંચાલકોને પણ ગાઇડલાઇનને આધિન ક્લાસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સ્કૂલો અને ટ્યુશન ક્લાસ 11 મહિના પછી ખૂલી રહ્યાં છે. આ સંજોગોમાં સંચાલકોને કડક પાલન સાથે મંજૂરી આપવામાં આવનાર છે. સ્કૂલોની જેમ ટ્યુશન ક્લાસમાં પણ કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે.

ગુજરાતમાં હજારોની સંખ્યામાં ટ્યુશન ક્લાસ ચાલી રહ્યાં છે પરંતુ કોરોના સંક્રમણના કારણે કેટલાક સંચાલકોએ ઓનલાઇન ક્લાસ શરૂ કર્યા હતા. હવે તેઓ રેગ્યુલર ક્લાસ શરૂ કરી શકશે પરંતુ ક્લાસમાં આવતા બાળકો માટે સેનિટાઇઝર, થર્મલ ગન અને સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. જો તેઓ કોઇ બેદરકારી દાખવશે તો પોલીસ તેના ઓચિંતા ચેકીંગથી ટ્યુશન ક્લાસ લાંબા સમય માટે બંધ કરાવી શકે છે.

અમદાવાદ જેવા મોટા શહેરોમાં ટ્યુશન ક્લાસ ચલાવતા સંચાલકોએ બાળકો માટે વાલીના સંમતિપત્રનો આગ્રહ રાખ્યો છે, કારણ કે બાળકને કંઇપણ થાય તો તેની જવાબદારી વાલીની રહેશે. આ સંમતિપત્ર સરકારના દાયરામાં આવે છે કે નહીં તે હજી નિશ્ચિત થયું નથી પરંતુ ટ્યુશન ક્લાસના સંચાલકો આ જોખમ ઉઠાવવા માગતા નથી. કોવિડના નિયમોના પાલન માટે પોલીસ, કોર્પોરેશન કે શિક્ષણ વિભાગના કોઇપણ કર્મચારી ચેકીંગ માટે ટ્યુશન ક્લાસના સ્થળે આવી શકે છે. આ સાથે સુરતના ટ્યુશન ક્લાસમાં આગની ઘટના પછી તમામ ટ્યુશન ક્લાસમાં ફાયર સેફ્ટિના નોર્મ્સ પણ જાળવવાની સૂચના આપવામાં આવી છે.