મુંબઇ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ રવિવારે રમાયેલી આઇપીએલ મેચમાં ગુજરાત ટાઇટન્સના હાથે ૬ વિકેટે હાર્યા બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાંથી બહાર થઈ ગયા બાદ ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પોતાનો ગુસ્સો ગુમાવી દીધો હતો અને તે ગુસ્સે ભરાયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે જાહેરમાં એક ખેલાડીને પ્લેઓફમાંથી બહાર કરવા માટે દોષી ઠેરવ્યો છે.
હાલની આરસીબીની પરિસ્થિતિ પર સંજય દત્તની હથિયાર ફિલ્મનો એક ડાયલોગ ફિટ બેસે છેકે, સાલા અપના હી ખૂન અપને લીયે ઝહેર બન ગયા હૈ…કારણકે, પોતાનો જ એક સમયનો સ્ટાર ખેલાડી આ સિઝનમાં ફ્લોપ થતાં હારનું ઠીકરું હવે એના શિરે ફોડવામાં આવ્યું છે.
આઇપીએલની ૧૬ સિઝન પસાર થઈ ગઈ છે, પરંતુ ફરી એક વખત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને નિરાશ થવું પડ્યું છે અને તેનું આઇપીએલ ટ્રોફી જીતવાનું સપનું પૂરું થયું નથી. રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી આઇપીએલ મેચમાં ૬ વિકેટે હાર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઓફમાં પહોંચવાની આશા ઠગારી નીવડી છે. મેચ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું, ’અમારી ટીમના ટોપ-૪ બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ અમારી સૌથી મોટી નબળાઈ મેચ પૂરી ન કરી શકવાની રહી છે.’