તુર્કી-સિરિયામાં ફરી ભૂકંપ, ૬.૪ની તીવ્રતા:ઈઝરાયલ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા, ૩ના મોત, ૨૯૪ ઘાયલ થયા

તહેરાન,

તુર્કી અને સીરિયામાં ૧૪ દિવસ પછી ફરી એકવાર સોમવારે રાતે ૮.૦૪ વાગે ભૂકંપના ઝટકાનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ૬.૪ રહી. ભૂકંપનું કેન્દ્ર અંતાક્યા ક્ષેત્રનું હતાય શહેર હતું. ભૂકંપની ઊંડાઈ ૨ કિલોમીટર સુધી રહી હતી. ભૂકંપ આવ્યા પછી આટક શોક્સની તીવ્રતા ૩.૪ થી ૫.૮ રહી. જેના લીધે ૩ લોકોના મોત થયા છે અને ૨૯૪ લોકો ઘાયલ થઈ ગયા છે.

તુર્કી-સીરિયા બોર્ડર વિસ્તારમાં ૬૮ કલાકમાં ૧૧ ભૂકંપ આવ્યા છે. તુર્કીની અનાદોલુ સમાચાર એજન્સીના સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણ જગ્યાએ બચાવ કાર્ય શરૂ છે. સોમવારના ભૂકંપના આંચકા લેબેનોન, ઈઝરાઇલ અને સાયપ્રસમાં પણ અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા પ્રમાણે, હજુ વધુ આટરશોક્સનો સામનો કરવો પડી શકે છે.

ભૂકંપના કેન્દ્રની નજીક આવેલા સમાંદગ વિસ્તારમાં રહેતા એક યુવાન મેહમત અલી ગુમુસે ન્યૂયોર્ક ટાઈમ્સને જમાવ્યું હતું કે, મને અચાનક મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું. આંચકો એટલો જોરદાર હતો કે હું ઘરની બહાર નીકળવા માટે એક મીટર દૂર મારા ઘરના દરવાજા સુધી પહોંચી શક્યો નહોતો.

૬ ફેબ્રુઆરીએ ત્રણ મોટા ભૂકંપને કારણે તુર્કી અને સિરિયામાં મૃત્યુઆંક ૪૭ હજારને પાર કરી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, બંને દેશમાં ૨૬ મિલિયન લોકોને મદદની જરૂર છે. છેલ્લાં ૭૫ વર્ષમાં પ્રથમ વખત ડબ્લ્યુએચઓ આટલા મોટે પાયે બચાવ અભિયાન ચલાવી રહ્યું છે. તુર્કીમાં સામાજિક કાર્યકરોએ કાટમાળમાં લાલ બલૂન રાખીને દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રોજેક્ટના લીડર ઓગુએન સીવર ઓકુરેના જણાવ્યા પ્રમાણે, તેઓએ કાટમાળમાં વિવિધ સ્થળોએ ૧૦૦૦-૧૫૦૦ બલૂન લગાવ્યા છે. દરેક બલૂન ભૂકંપમાં જીવ ગુમાવનારા બાળકોની યાદ અપાવે છે. આ પ્રોજેક્ટ હેઠળ હજુ વધુ બલૂન લગાવવામાં આવશે.