
ગાઝા, હમાસ અને ઈઝરાયેલના યુધમાં હમાસનુ સમર્થન કરવાનો અને મુસ્લિમ દેશોના મસિહા બનવાનો દાવો કરનાર તુર્કીનો બેવડો ચહેરો સામે આવ્યો છે. તુર્કીના એક ટ્રેડ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધમાં તુર્કીએ ઈઝરાયેલને હથિયારો વેચ્યા છે. એક મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, જાન્યુઆરીમાં તુર્કીએ ઈઝરાયેલને કિમતી ધાતુઓ, કેમિકલ, જંતુનાશકો, પરમાણુ રિએકટરના પાર્ટસ, વિસ્ફોટકો, વિમાનના પાર્ટસ, હથિયારો તેમજ દારુગોળા સહિત ૩૧૯ મિલિયન ડોલરનો સામાન વેચ્યો છે.
આ સામાન વેચનારી કંપનીઓ તુર્કીના ઈન્ડિપેન્ડેન્ટ ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ એન્ડ બિઝનેસમેન એસોસિએશન નામના સંગઠન સાથે સંકળાયેલી છે. યાન ખેંચનારી વાત એ છે કે, આ સંગઠન તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનનુ કટ્ટર સમર્થક છે. જેના કારણે જ ઈઝરાયેલને સામાન વેચવાની જાણકારી બહાર આવ્યા બાદ તુર્કીમાં ખળભળાટ વ્યાપ્યો છે.
પેલેસ્ટાઈનના સમર્થકોએ તુર્કીની કંપનીઓના વેપારને પેલેસ્ટાઈનના લોકોની પીઠમાં ખંજર મારવા સમાન ગણાવ્યો છે અને સોશિયલ મીડિયા પર લોકો તુર્કી તેમજ એર્દોગનની સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર પેલેસ્ટાઈન સમર્થકોની વધી રહેલી બબાલ બાદ તુર્કીએ કહ્યુ છે કે, અમે હંમેશા પેલેસ્ટાઈનના સમર્થક રહ્યા છે. પેલેસ્ટાઈન વિરોધી કોઈ પણ કામગીરીમાં તુર્કી સામેલ થઈ શકે નહીં. ઈઝરાયેલ સાથે સૈન્ય કે ડિફેન્ડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કોઈ ડીલ કરવામાં આવી નથી. કથિત મીડિયા રિપોર્ટમાં ઈઝરાયેલને વેચવામાં આવેલી જે વસ્તુઓનો ઉલ્લેખ છે તેમાં હથિયારો કે દારુગોળો નથી પણ રમત ગમતમાં કે શિકારની પ્રવૃત્તિ માટે વપરાતી રાયફલોના સ્પેર પાર્ટસ અને માછલી પકડવાની પ્રોડક્ટસ સામેલ છે.
જોકે તુર્કીના એક ફેકટ ચેક સોશિયલ મીડિયા એકાઉન્ટનુ કહેવુ છે કે, તુર્કી સરકારનો દાવો ખોટો છે.૨૦૨૪ના પહેલા ત્રણ મહિનામાં ઈઝરાયેલને દારુગોળો વેચવામાં આવ્યો છે તે હકીક્ત છે અને અમે તેની તપાસ પણ કરી છે.