ઈસ્તાંબુલ, ઈસ્તાંબુલના એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. આમાં ૨૯ લોકોના મોત થયા છે અને ૭ લોકોની હાલત ગંભીર છે. લોકોનું માનવું છે કે આ આગ કોઈ કાવતરાના ભાગરૂપે લગાવવામાં આવી હતી. આ કેસમાં ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
સ્થાનિક મીડિયા અનુસાર તુર્કીના ઈસ્તાંબુલમાં એક નાઈટ ક્લબમાં દિવસ દરમિયાન આગ ફાટી નીકળી હતી. તે સમયે અહીં રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૯ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઈસ્તાંબુલના ગવર્નર ઓફિસે જણાવ્યું કે, અન્ય આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી સાતની હાલત વધુ ગંભીર હોવાનું કહેવાય છે.
ભીષણ આગને લગતા ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. આ ક્લબ શહેરના યુરોપિયન ભાગના બેસિકટાસ જિલ્લામાં સ્થિત હતી. કહેવાય છે કે આ આગમાં જીવ ગુમાવનારા તમામ લોકો બાંધકામનું કામ કરતા મજૂરો હતા. ૧૬ માળની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર એક નાઈટ ક્લબ હતી.
તુર્કીના ન્યાયપ્રધાન યિલમાઝ ટુનકે એકસ પર આ માહિતી આપી હતી, તેમણે કહ્યું હતું કે પાંચ લોકો માટે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નાઈટ ક્લબ મેનેજમેન્ટના ત્રણ લોકો અને કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. આના પર તેમણે લખ્યું કે, તેમણે ઈસ્તાંબુલના બેસિકટાસ જિલ્લાના ગેરેટેપે જિલ્લામાં આગમાં જીવ ગુમાવનારા લોકો માટે સંવેદના વ્યક્ત કરી અને ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.
માહિતી આપતાં તેમણે કહ્યું કે, આ મામલે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં ત્રણ સરકારી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ઘટનાસ્થળે તપાસ ચાલી રહી છે અને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આગનું કારણ જાણવા માટે ત્રણ નિષ્ણાતોની ટીમ સતત કામ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.