તુર્કીયેમાં ફરી આવ્યો ભૂકંપ, નિગડા વિસ્તારમાં ૫.૩ની તીવ્રતાના ભૂકંપથી ભયનો માહોલ

તુર્કીય,

તુર્કીયેમાં કુદરત જાણે કાળો કહેર મચાવી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. ૬ ફેબ્રુઆરીના રોજ આવેલા વિનાશકારી ભૂંકપ બાદ વારંવાર તુર્કીયે-સીરિયાની ધરતી હલી રહી છે. શનિવારે તુર્કીયેમાં ૫.૩ ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નિગડા વિસ્તાર હતું. હાલમાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. આ ભૂકંપને કારણે બરબાદ થઈ ગયેલા પીડિત લોકોમાં ફરી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.વારંવાર આવી રહેલા ભૂકંપને કારણે તુર્કીયે-સીરિયામાં ૫૦ હજાર કરતા વધારે લોકોના મોત થયા છે. ૫.૨૦ લાખ એપોર્ટમેન્ટ આ ભૂકંપને કારણે તબાહ થયા છે. ભારતે પણ આ વિનાશકારી ભૂકંપમાં મદદ માટે ઓપરેશન દોસ્ત ચલાવ્યું હતું.શનિવારે રાત્રે ઉત્તરી જાપાનના હોક્કાઈડોમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપના ઝટકા કુશીરો અને નેમુરોના કિનારાના શહેરોમાં અનુભવાયા છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી પણ કેટલીક જગ્યાએ ઘર પડવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર જાપાનમાં ભૂકંપ બાદ હવે સુનામીની ચેતવણી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર ૧૦.૨૭ કલાકે લગભગ જમીનમાં ૪૩ કિલોમીટરની ઊંડાઈ પર આવ્યો હતો. સ્થાનિકોને લગભગ ૧ અઠવાડિયા સુધી ભૂકંપ સામે ચેતીને રહેવા કહેવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે આ પહેલા ૨૦ ફેબ્રુઆરીના રોજ પણ જાપાનમાં ભૂકંપ અનુભવાયો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૩ માપવામાં આવી હતી. આ ભૂકંપ ઓબિહિરોથી ૯ કિલોમીટર પશ્ર્ચિમ અને કુશિરોના દક્ષિણ-પશ્ર્ચિમમાં ૧૦૪ કિલોમીટર પશ્ર્ચિમમાં અનુભવાયો હતો. આ ભૂકંપમાં પણ જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા ન હતા.

તુર્કીયે-સિરીયાનો ભૂકંપ ઈતિહાસના સૌથી વિનાશકારી ભૂકંપમાંથી એક બન્યો છે. તે ૨૧મી સદીનો સૌથી વિનાશકારી ભૂકંપની લિસ્ટમાં ૫માં નંબર પર છે. ચાલો જાણીએ ૨૧મી સદીના સૌથી વિનાશકારી ભૂકંપ વિશે.૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ તુર્કીયે-સિરીયામાં ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં હમણા સુધીમાં ૫૦,૨૪૫ લોકોના મોત થયા છે. ૧૨ જાન્યુઆરી, ૨૦૧૦ના રોજ હૈતીમાં ૭.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ૩૧૬,૦૦૦ લોકોના મોત થયા હતા. ૨૬ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ ઈન્ડોનેશિયામાં ૯.૧-૯.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ૨૨૭,૮૯૮ લોકોના મોત થયા હતા. ૧૨ મે, ૨૦૦૮ના રોજ ચીનમાં ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ૮૭,૫૮૭ લોકોના મોત થયા હતા. ૮ ઓક્ટોબર, ૨૦૦૫ના રોજ કશ્મીરમાં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ૮૭,૩૫૧ લોકોના મોત થયા હતા.