તુર્કીમાં ભૂકંપ બાદ રાજકીય ભૂકંપની તૈયારી! એર્દોગન સત્તા ગુમાવી શકે છે

તુર્કી,

ગયા અઠવાડિયે તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે હજારો લોકો અકાળે મૃત્યુ પામ્યા છે. હજારો લોકો ઘાયલ થયા છે. લાખો લોકો બેઘર થઇ ગયા છે. ભૂકંપ બાદ હવે તુર્કીમાં રાજકીય ભૂકંપની શક્યતા વર્તાઈ રહી છે. તુર્કીના લોકોમાં રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જે એર્દોગન સત્તા છોડવાનું કારણ બની શકે છે.

તુર્કીમાં આવેલા ભૂકંપને કારણે અત્યાર સુધીમાં ૩૦ હાજરથી વધુ લોકોના મોત થયા છે. મૃત્યુનો આંકડો હજુ વધી શકે છે. સ્થાનિક લોકોમાં સરકાર સામે ભારે રોષ છે. વર્ષ ૧૯૯૯માં પણ તુર્કીમાં આવેલા ભૂકંપમાં પણ ઘણો વિનાશ થયો હતો જેમાં ૧૭ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૧૯૯૯ના ભૂકંપ બાદ સરકારે એક નિયમ બનાવ્યો હતો કે નવી ઇમારતો ભૂકંપ પ્રતિરોધક ટેક્નોલોજીથી બનાવવામાં આવશે અને આ નિયમનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે. જો કે, તુર્કીના લોકોનું માનવું છે કે સરકાર આ નિયમનો કડક અમલ કરી શકી નથી, જેના કારણે કોન્ટ્રાક્ટરોએ ભ્રષ્ટાચાર કરીને લોકો માટે અસુરક્ષિત ઇમારતો તૈયાર કરી છે.

આ સિવાય તુર્કીની સરકારે જૂની ઈમારતોને મજબૂત કરવા માટે લોકો પર ખાસ ટેક્સ પણ લગાવ્યો હતો. સરકારે આ ટેક્સમાંથી લગભગ ૧૭ બિલિયન યુએસ ડોલર એકત્ર કર્યા હતા, પરંતુ સરકારે આ ફંડમાંથી માત્ર થોડી જ રકમ જૂની ઇમારતોને મજબૂત કરવા માટે ખર્ચી હતી, બાકીની રકમ અન્ય કામોમાં ખર્ચવામાં આવી હતી.

આ જ કારણ છે કે એર્દોગન સરકાર વિરુદ્ધ લોકોમાં ઘણો ગુસ્સો છે. તુર્કી પહેલેથી જ ઊંચા ફુગાવા અને નબળી અર્થવ્યવસ્થા સાથે સંઘર્ષ કરી રહ્યું છે. આ પછી હવે ભૂકંપના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે આ વર્ષે તુર્કીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ યોજાવાની છે. અહેવાલો મુજબ એ પહેલા લોકોનો ગુસ્સો ગમે ત્યારે વિદ્રોહમાં પરિણમે છે.

તુર્કીમાં નબળી ઇમારતો બનાવવા બદલ ૧૩૦ થી વધુ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. તુર્કીના વાઇસ પ્રેસિડેન્ટ ફુઆત ઓક્ટેએ જણાવ્યું હતું કે શનિવારે ૧૩૧ બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું, જેમાંથી ૧૩૦ની રવિવાર બપોર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે.