તુર્કીએ ફરી એકવાર પોતાનો રંગ બતાવ્યો છે. એક મહિનામાં જ ભારતનો ઉપકાર ભૂલી સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. તેણે મુસ્લિમ ભાઈચારો દાખવી ભારત વિરુદ્ધ પાકિસ્તાની દુષ્પ્રચારને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાનની હરોળમાં જોડાઈને તેણે ભારત પર જમ્મુ અને કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો.
અગાઉ પાકિસ્તાને પણ આવો જ આરોપ લગાવ્યો હતો. જો કે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. યુએનએચઆરસીમાં ભારતના પ્રતિનિધિ સીમા પુજાનીએ કહ્યું હતું કે, પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરી એકવાર આ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને ભારત વિરુદ્ધ તેના દુષ્ટ પ્રચાર માટે દુરુપયોગ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, માનવ અધિકારો પર પાકિસ્તાનની વાત મજાક છે. જે લોકો પોતાનો અવાજ ઉઠાવે છે તેઓ પાકિસ્તાનમાં ગાયબ થઈ જાય છે.
હજુ એક મહિના પહેલા જ તુર્કીમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં તુર્કીને ભારે નુક્સાન થયું હતું અને દુર્ઘટનામાં હજારો લોકોના મોત થયા હતા. આ મુશ્કેલ સમયમાં ભારત ગણતરીના કલાકોમાં જ તુર્કીની મદદે પહોચ્યું હતું. ભારતમાં તુર્કીના રાજદૂતે પણ તેની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભૂકંપના કલાકોમાં ભારત દ્વારા તુર્કીને આપવામાં આવેલી મદદની અમે ખરેખર પ્રશંસા કરીએ છીએ.
પાડોશી દેશ પાકિસ્તાનમાં લઘુમતીઓ પરના અત્યાચારો પર પ્રકાશ પાડતા સીમા પુજાનીએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે કોઈ ધાર્મિક સ્વતંત્રતા નથી. તેઓ તેમના ધર્મનું પાલન કરી શક્તા નથી. અહમદિયા સમુદાયને ફક્ત તેમના ધર્મનું પાલન કરવાની છૂટ છે. બાકીનાઓને હેરાન જ કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદા દ્વારા લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. હિંદુ અને શીખ સમુદાયના ધાર્મિક સ્થળો પર વારંવાર હુમલા થઈ રહ્યા છે. લઘુમતી છોકરીઓના બળજબરીથી લગ્ન કરવામાં આવે છે. ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે.