તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ સરકારી આવાસ ખાલી કર્યું,

નવીદિલ્હી, તૃણમૂલ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સાંસદ મહુઆ મોઇત્રાએ શુક્રવારે લોક્સભાના સભ્ય તરીકે મળેલો સરકારી બંગલો ખાલી કરી દીધો હતો. અગાઉ, એસ્ટેટ ડિરેક્ટોરેટની એક ટીમ એ જોવા માટે મોકલવામાં આવી હતી કે મોઇત્રાએ સરકારી આવાસ છોડી દીધું છે કે નહીં.

મોઇત્રાના વકીલે જણાવ્યું હતું કે મહુઆ મોઇત્રાનો ટેલિગ્રાફ લેન પરનો બંગલો ૯ બી આજે સવારે ૧૦ વાગ્યે સત્તાવાળાઓ આવે તે પહેલાં ખાલી કરવામાં આવ્યો હતો. ખાલી કરાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.” ફરાસતે કહ્યું કે ઘરનો કબજો એસ્ટેટ ડિરેક્ટોરેટના અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને લોક્સભાની સદસ્યતા ગુમાવ્યા બાદ મોઇત્રાને બે વખત સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મોકલવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા તેણીને મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે જો મોઇત્રા બંગાળ ખાલી નહીં કરે તો એક ટીમ મોકલવામાં આવશે, જે ખાતરી કરશે કે સરકારી મકાન ખાલી છે.

અગાઉ ડિસેમ્બરમાં લોક્સભાની સદસ્યતા ગુમાવવાને કારણે મહુઆ મોઇત્રાને ૭ જાન્યુઆરી સુધીમાં બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. આ પછી ૮ જાન્યુઆરીએ ડિરેક્ટોરેટે તેમની પાસેથી બંગલો ખાલી ન કરવા પર ત્રણ દિવસમાં જવાબ માંગ્યો હતો. ૧૨ જાન્યુઆરીએ તેમને આ સંદર્ભમાં બીજી નોટિસ આપવામાં આવી હતી.

મહુઆ મોઇત્રાને ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે સરકારી બંગલો ખાલી કરવાની ડિરેક્ટોરેટ ઓફ એસ્ટેટની નોટિસ સામે મહુઆની અરજી ફગાવી દીધી હતી. આ અરજીમાં તેમણે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા બંગલામાંથી તેમની હકાલપટ્ટી પર વચગાળાનો સ્ટે માંગ્યો હતો.

મહુઆ મોઇત્રાના વકીલ અને વરિષ્ઠ એડવોકેટ બ્રિજ ગુપ્તાએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે, હાંકી કાઢવામાં આવેલા સાંસદ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને આઇસીયુમાં છે. ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે, તેથી તેમને બંગલો ખાલી કરવા માટે થોડો સમય લાગશે. મહુઆ મોઇત્રા તેની કિંમત ચૂકવવા તૈયાર છે.