તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ કે.ડી. સિંહનું વિમાન અને ફ્લેટ સહિતની સંપત્તિ જપ્ત

લોકસભા ચૂંટણી પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જોરદાર કાર્યવાહી ચાલી રહી છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ કે.ડી. સિંહની ચિટફંડ કંપની અલ્કેમિસ્ટ ગ્રુપ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીનું એક વિમાન અને હિમાચલ પ્રદેશ, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં 29 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ અને ફ્લેટ જપ્ત કરવામાં આવ્યા છે. એજન્સીએ શનિવારે (30 માર્ચ) આ માહિતી આપી હતી. 

સમાચાર એજન્સીના અહેવાલ મુજબ આ તપાસ CBI, ઉત્તર પ્રદેશ પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા નોંધાયેલી ઘણી FIR સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે, ચિટ ફંડ જૂથે તેની કંપનીઓ જેમ કે અલ્કેમિસ્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ અને અલ્કેમિસ્ટ ટાઉનશિપ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સામાન્ય લોકો પાસેથી રૂ. 1,800 કરોડથી વધુ એકત્ર કર્યા હતા. આરોપ એવો છે કે રોકાણકારોને તેમના રોકાણ પર વધુ પડતી રકમ પરત કરવા સિવાય ફ્લેટ અને પ્લોટ વગેરે આપવાના “ખોટા વચનો” આપવામાં આવ્યા હતા. EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, PMLA હેઠળ મિલકતો અટેચ કરવામાં આવી છે અને તેમાં એક એરક્રાફ્ટનો પણ સમાવેશ થાય છે. 

અગાઉ EDએ 10.29 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ જપ્ત કર્યા હતા. કેડી સિંઘની કંપની (અલકેમિસ્ટ) આ રકમનો ઉપયોગ એરલાઈન્સને ચૂકવણી કરવા માટે કરવા માંગતી હતી જેમની સેવાઓ 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC) પાર્ટી દ્વારા લેવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે, આ વિમાનોનો ઉપયોગ TMC દ્વારા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, પાર્ટીના ધારાસભ્ય અને ભૂતપૂર્વ રેલવે પ્રધાન મુકુલ રોય, અભિનેતા મુનમુન સેન અને સાંસદ નુસરત જહાં જેવા સ્ટાર પ્રચારકો માટે કરવામાં આવ્યો હતો.

કેડી સિંહનું પૂરું નામ કંવર દીપ સિંહ છે, જે રાજ્યસભામાંથી પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ છે. આ પહેલા પણ EDને કેડી સિંહના પરિસરમાં દરોડા પાડીને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો, વિદેશી ચલણ અને રોકડ મળી આવી હતી. વર્ષ 2018માં જ કેડી સિંહ વિરુદ્ધ પીએમએલએ હેઠળ કેસ શરૂ કરવામાં આવ્યો હતો. ઈડીએ 2016માં અલ્કેમિસ્ટ ઈન્ફ્રા રિયલ્ટી લિમિટેડ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. અગાઉ કેડી સિંહની આશરે રૂ. 239 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી જેમાં રિસોર્ટ, શોરૂમ અને બેંક ખાતાનો પણ સમાવેશ થાય છે.