
મુંબઇ,
અલીબાબા સિરિયલની અભિનેત્રી તુનિષા શર્માએ ગઈકાલે સાંજે ટીવી શોના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યાં હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર ટી બ્રેક દરમિયાન તુનિષા ટોયલેટમાં ગઇ અને ત્યાંથી મોડે સુધી નિકળી નહી, તો દરવાજો તોડવામાં આવ્યો. ત્યાં જોવા મળ્યું કે તુનિષાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. વાલિવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરિક્ષક કૈલાશ બર્વેએ જણાવ્યું કે તુનિષા શર્માની સુસાઇડ કરવાની જાણકારી મળી છે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. તપાસના આધારે પોલીસે અભિનેત્રીના કો-સ્ટારની ધરપકડ કરી લીધી છે. આજે તેને કોર્ટમાં જજ સમક્ષ રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે, તુનિષાની ઉંમર હજુ માત્ર ૨૦ વર્ષ જ હતી. આટલી નાની ઉંમરમાં તેણે કેમ આત્મહત્યા જેનું ગંભીર પગલું ભર્યું તે મોટો સવાલ છે. પોલીસ હાલ આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તેની આત્મહત્યાના સમાચારથી લોકો સ્તબ્ધ થઈ ગયા છે, જ્યારે હવે આ મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થવા લાગ્યા છે. અભિનેત્રીના મૃત્યુ બાદ ખબર પડી કે અભિનેત્રીએ તેના કો-સ્ટાર શીઝાન ખાનના મેક-અપ રૂમમાં આ પગલું ભર્યું હતું. તે જ સમયે, સમાચાર સામે આવી રહ્યા છે કે અભિનેતાની પોલીસે ધરપકડ કરી છે.એએનઆઇ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, વાલિવ પોલીસે અભિનેત્રી તુનિષા શર્માના કો-સ્ટાર શીઝાન ખાનની આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધીને ધરપકડ કરી છે. પોલીસે આઈપીસીની કલમ ૩૦૬ હેઠળ કેસ નોંયો છે. અભિનેતાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
અગાઉ પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે પોલીસે માહિતી મેળવીને દરવાજો તોડ્યો તો તેમને જાણવા મળ્યું કે, તુનિષા શર્માએ કથિત રીતે ફાંસી લગાવી લીધી છે. ઘટનાસ્થળેથી પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી, જ્યારે આત્મહત્યાનું કારણ પણ સ્પષ્ટ થયું નથી. પોલીસે કહ્યું છે કે, તેઓ અભિનેત્રીના મૃત્યુની હત્યા અને આત્મહત્યા બંને એંગલથી તપાસ કરશે.
તુનિષા શર્માનો એક મેકઅપ કરાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે અભિનેત્રાના આપઘાતના ૭ કલાક પહેલાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં તે મેકઅપ કરાવતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તુનિષા એકદમ શાંત બેસી રહી છે, જ્યારે હેર સ્ટાઈલિસ્ટ તેના વાળ ઓળી રહ્યો છે, જ્યારે અન્ય મેકઅપ આર્ટીસ્ટ મેકઅપ કરી રહ્યો છે. એવામાં એક્ટ્રેસ પોતાનો હાથ આગળ લંબાવે છે અને કાંડા પર બ્રશથી કટ જેવું નિશાન લગાવે છે.