તુનિષા આત્મહત્યા કેસમાં જબરદસ્ત ટ્વિસ્ટ, એક્ટ્રેસની માતાએ શીજાન પર લગાવ્યા સનસનીખેજ આરોપ

મુંબઇ,

ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માએ શનિવારે સીરિયલના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. એક્ટ્રેસે તેના કો-એક્ટર શીજાન ખાનના મેક-અપ રૂમમાં જીવન ટૂંકાવ્યું હતુ. તુનિષાની આત્મહત્યાના કારણે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં હજુ સુધી પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી. પરંતુ, તુનીષાની માતાએ તેના કો-એક્ટર શીજાન પર તેની દીકરીને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.

તુનીષાની માતાની ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ ૩૦૬ હેઠળ કેસ નોંયો છે. એટલે કે હવે આ મામલાની હત્યા અને આત્મહત્યા બંને એંગલથી તપાસ કરવામાં આવશે.

તુનિષાની આત્મહત્યા બાદ એક્ટ્રેસની માતાએ તેના કો-એક્ટર શીજાન પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં તે કહે છે કે તુનીષાએ શીજાનથી કંટાળીને જ પોતાનું જીવન સમાપ્ત કર્યું. એક્ટ્રેસની માતાના કહેવા પ્રમાણે, તુનીષા શીજાનથી નારાજ હતી, જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તુનિષા અને શીજાન રિલેશનશિપમાં હતા, પરંતુ તાજેતરમાં જ એક્ટરે તેની સાથે બ્રેકઅપ કર્યું હતું. જેના કારણે તુનિષા ખૂબ જ પરેશાન હતી.

તેની માતા અને કામના કારણે તુનિષા પહેલાથી જ ડિપ્રેશનમાં હતી, જેના માટે તે દવાઓ લેતી હતી. આવી સ્થિતિમાં તે શીજાન સાથેના બ્રેકઅપથી વધુ ડિપ્રેસ થવા લાગી અને ૨૪ ડિસેમ્બરે તેણે આત્મહત્યા કરી લીધી. તુનીષાની આત્મહત્યા પછી, તેના પરિવારની ફરિયાદ પર, વાલિવ પોલીસે શીજાન મોહમ્મદ ખાન વિરુદ્ધ એફઆઇઆર નોંધી અને એક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ હવે એક્ટરને વસઈ કોર્ટમાં રજૂ કરશે, ત્યારબાદ મુંબઈ પોલીસ પણ શીજાન સામે રિમાન્ડની માંગણી કરશે. બીજી તરફ, પોલીસ પણ તુનીષાના તમામ કો-એક્ટર્સ સાથે વાત કરી રહી છે અને તેમના નિવેદનો નોંધી રહી છે.

તમને જણાવી દઈએ કે, શનિવારે તુનિષાએ પોતાની સીરિયલના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. નાની ઉંમરથી કરિયર શરૂ કરનાર તુનીષાને અલી બાબા દાસ્તાન-એ-કાબુલમાં રાજકુમારી મરિયમની ભૂમિકાથી પોપ્યુલારિટી મળી હતી. ૪ જાન્યુઆરી ૨૦૦૨ના રોજ ચંદીગઢમાં જન્મેલી તુનિષાને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો.