
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરજન્સીના ૪૯ વર્ષ પૂર્ણ થવા પર લોકશાહીના આ કાળા દિવસને યાદ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, આજનો દિવસ તે તમામ મહાન પુરૂષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે, જેમને ઇમરજન્સીનો વિરોધ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઇમરજન્સીનો કાળો દિવસ અમને યાદ અપાવે છે કે કેવી રીતે કોંગ્રેસ પાર્ટીએ મૂળભૂત સ્વતંત્રતાઓનો નાશ કર્યો અને ભારતના બંધારણને કચડી નાખ્યું, જેનો દરેક ભારતીય ઊંડો આદર કરે છે.
પીએમ મોદીએ કહ્યું કે સત્તા જાળવી રાખવા માટે તત્કાલીન કોંગ્રેસ સરકારે દરેક લોક્તાંત્રિક સિદ્ધાંતોની અવગણના કરી અને દેશને જેલમાં ફેરવી દીધો. કોંગ્રેસ સાથે અસંમત દરેકને ત્રાસ આપવામાં આવ્યો. સૌથી નબળા વર્ગોને નિશાન બનાવવામાં આવ્યા અને સામાજિક રીતે પ્રતિગામી નીતિઓ લાગુ કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેમણે ઈમરજન્સી લાદી છે તેમને આપણા બંધારણ પ્રત્યે પ્રેમ દર્શાવવાનો કોઈ અધિકાર નથી. આ એ જ લોકો છે જેમણે અનેક વખત આટકલ ૩૫૬ લાગુ કરી, પ્રેસની સ્વતંત્રતા પર કાપ મૂક્તા બિલો પસાર કર્યા, સંઘવાદનો નાશ કર્યો અને બંધારણના દરેક પાસાઓનું ઉલ્લંઘન કર્યું. જે માનસિક્તાના કારણે ઈમરજન્સી લાદવામાં આવી હતી તે જ પાર્ટીમાં આજે પણ છે. તે બંધારણ પ્રત્યે તેમનો અણગમો છુપાવે છે પરંતુ ભારતના લોકો તેમની હરક્તોને સમજી ગયા છે. આ જ કારણ છે કે જનતાએ તેમને વારંવાર નકારી દીધા છે.