
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે H-1B વિઝા પર ભારતીયો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. NYT અનુસાર, ટ્રમ્પે કહ્યું હતું કે આ વિઝા બંધ નહીં થાય. અમેરિકાને ટેલેન્ટની જરૂર છે. તેમણે કહ્યું હતું કે અમને ફક્ત એન્જિનિયરોની જ જરૂર નથી, પરંતુ અન્ય નોકરીઓ માટે પણ શ્રેષ્ઠ પ્રોફેશનલ્સ આવવા જોઇએ. તેઓ અમેરિકનોને ટ્રેનિંગ પણ આપશે.
H-1B પર ચાલી રહેલી ચર્ચા વિશે પૂછવામાં આવતાં ટ્રમ્પે કહ્યું, ‘હું પક્ષ અને વિપક્ષની દલીલો સાથે સહમત છું.’ અમેરિકાને હાલમાં જે ટેલેન્ટની જરૂર છે તે ફક્ત આ વિઝા પ્રોગામ દ્વારા જ મળી શકે છે. અમેરિકામાં આ હાઇ સ્કિલ વિઝા મેળવવામાં ભારતીયો પ્રથમ ક્રમે છે. 2024માં જારી કરાયેલા કુલ 2 લાખ 80 હજાર H-1B વિઝામાંથી લગભગ 2 લાખ વિઝા ભારતીયોને મળ્યા હતા.
એ જ સમયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ આવતા મહિને વોશિંગ્ટનમાં મળી શકે છે. એક અહેવાલ મુજબ, ભારત અને અમેરિકાના રાજદ્વારીઓએ આ માટે દ્વિપક્ષીય તૈયારીઓ તેજ કરી દીધી છે. બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
H-1B વિઝા શું છે? H-1B એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જેના હેઠળ યુએસ કંપનીઓને વિશિષ્ટ ટેક્નિકલ કુશળતાની જરૂર હોય એવાં પદો પર વિદેશી વ્યાવસાયિકોને રોજગારી આપવાની મંજૂરી છે. આ વિઝા દ્વારા ટેક્નોલોજીક્ષેત્રની કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કર્મચારીને નોકરી પર રાખે છે.
H-1B વિઝા સામાન્ય રીતે એવા લોકોને આપવામાં આવે છે, જેઓ ચોક્કસ વ્યવસાય (દા.ત. IT પ્રોફેશનલ્સ, આર્કિટેક્ચર, હેલ્થ પ્રોફેશનલ્સ, વગેરે) સાથે સંકળાયેલા હોય છે. આ વિઝા ફક્ત એવા વ્યાવસાયિકો મેળવી શકે છે, જેમની પાસે નોકરીની ઓફર છે. તે સંપૂર્ણપણે એમ્પલોયર પર આધાર રાખે છે. એનો અર્થ એ થયો કે જો એમ્પલોયર નોકરીમાંથી કાઢી મૂકે અને અન્ય કોઈ એમ્પલોયર નોકરી ઓફર ન કરે તો વિઝાની મુદત પૂરી થઈ જશે.
ટ્રમ્પ સમર્થકોનાં મંતવ્યો વિઝા અંગે વિભાજિત છે. H-1B વિઝા અંગે પણ ટ્રમ્પ સમર્થકોનાં મંતવ્યો એકબીજાથી વિપરીત છે. લૌરા લૂમર, મેટ ગેટ્ઝ અને એન કુલ્ટર જેવા ટ્રમ્પ સમર્થકો ખુલ્લેઆમ આ વિઝાનો વિરોધ કરી રહ્યા છે. આ લોકોનું કહેવું છે કે H-1B વિઝાથી વિદેશીઓને અમેરિકામાં નોકરીઓ મળવા લાગશે અને અમેરિકનો નોકરી ગુમાવશે.
બીજી તરફ, વિવેક રામાસ્વામી જેવા ટ્રમ્પ સમર્થકોએ એનું સમર્થન કર્યું છે. તેમનું કહેવું છે કે અમેરિકાને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે વિશ્વભરના ટોચના લોકોને નોકરી પર રાખવા જોઈએ.ટ્રમ્પ વહીવટમાં ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DoGE)ના વડા ઈલોન મસ્કે આ પ્રોગ્રામને ખતમ જેવો ગણાવી આમાં મોટા પાયે સુધારાની વાત કરી છે.
10માંથી 7 H-1B વિઝા ભારતીયોને જ મળે છે. અમેરિકા દર વર્ષે 65,000 લોકોને H-1B વિઝા આપે છે. એની સમયમર્યાદા 3 વર્ષ હોય છે. જો જરૂર પડે તો તેને બીજા 3 વર્ષ માટે લંબાવી શકાય છે. અમેરિકામાં 10માંથી 7 H-1B વિઝા ભારતીયોને આપવામાં આવે છે. આ પછી ચીન, કેનેડા અને દક્ષિણ કોરિયાનો વારો આવે છે.