ન્યુયોર્ક, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ કરવા માટે પૈસા ચૂકવવાના મામલામાં મુશ્કેલીઓ વધી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ વિરુદ્ધ કેસમાં ટ્રાયલની તારીખ નક્કી કરવામાં આવી છે. ન્યૂયોર્કના ન્યાયાધીશે આ કેસની સુનાવણી ૧૫ એપ્રિલની તારીખ નક્કી કરી છે.
સુનાવણી દરમિયાન ટ્રમ્પે ન્યાયાધીશને ટ્રાયલ મુલતવી રાખવા વિનંતી કરી હતી. જો કે, જજ જુઆન મર્ચને ટ્રમ્પની તમામ વિનંતીઓને ફગાવી દીધી હતી અને ૧૫ એપ્રિલથી ટ્રાયલ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ વિરૂદ્ધ ટ્રાયલ સોમવારથી શરૂ થવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગની ઓફિસ ટ્રાયલમાં વિલંબ કરવા માટે સંમત થઈ હતી.
અગાઉ, ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટ માટે યુએસ એટર્ની ઓફિસે આ કેસમાં ૧૦૦,૦૦૦ થી વધુ પાનાના રેકોર્ડને જાહેર કર્યા હતા. આ પછી, કેસ સાથે સંકળાયેલા પક્ષકારોએ આરોપ લગાવ્યો કે શા માટે પહેલા દસ્તાવેજો આગળ લાવવામાં ન આવ્યા. સોમવારે સુનાવણી શરૂ કરવાને બદલે, બંને પક્ષોએ દસ્તાવેજ વિવાદ ઉકેલવા માટે બેઠક બોલાવી હતી.
ટ્રમ્પ તેમના અડધા ડઝન જેટલા વકીલો સાથે સુનાવણીમાં હાજર રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનાવણી દરમિયાન ટ્રમ્પ મોટાભાગની સુનાવણી માટે મૌન રહ્યા અને જજને જોતા રહ્યા. સુનાવણી બાદ ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે બ્રેગનો મામલો તેમને નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર કરતા રોકવા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આ કેસ સાડા ત્રણ વર્ષ પહેલા લાવી શકાયો હોત. હવે તેઓ ઘણા દિવસોથી પ્રચાર કરી રહ્યા છે, તેથી વિરોધીઓ તેમને ચૂંટણી દરમિયાન રોકવાનો પ્રયાસ કરવા માંગે છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં હસ્તક્ષેપ છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ૨૦૧૬ ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તેની સાથેના કથિત અફેર વિશે ચૂપ રહેવા માટે પુખ્ત ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ૧૩૦,૦૦૦ ચૂકવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પે આ રકમ તેમના તત્કાલિન મેનેજર માઈકલ કોહેન દ્વારા ચૂકવી હતી. આ સિવાય તેના પર બિઝનેસ રેકોર્ડ ખોટા કરવાનો પણ આરોપ છે. જોકે, ટ્રમ્પે આ આરોપોને નકારી કાઢ્યા છે અને પોતાને નિર્દોષ જાહેર કર્યા છે.