ટ્રક વીજ તારને અડક્તા ૧૫૦ બકરા ભરેલી સળગી, ૩ લોકોના મોતની આશંકા

હિંમતનગર, અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા બામણવાડની નવી વસાહત પાસે એક ટ્રકને વીજ તાર અડકી જતા આગ લાગી છે. ટ્રકમાં ૧૫૦ જેટલા બકરા બે ભાગમાં ભરેલા હતા. બકરા ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટનાને પગલે સ્થાનિકોએ ફાયરની ટીમ અને સ્થાનિક વીજ તંત્રને જાણ કરી હતી. જેને લઈ વીજ લાઈન બંધ કરી સ્થાનિકોએ અને ફાયરની ટીમોએ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ જેટલી ફાયર ટીમો સ્થળ પર પહોંચી છે અને આગને કાબૂમાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આગમાં ત્રણ લોકો ભડથુ થયા હોવાની પણ આશંકા છે.

હાલમાં જ જે મુજબ જાણકારી આવી રહી છે, એ મુજબ બે ટ્રકો અહી આવી હતી. જેમાં પ્રથમ આગળ જઈ રહેલી ટ્રકમાં આગ લાગી હતી. આગને જોઈને પાછળ આવી રહેલી ટ્રકમાંથી એક પુરુષ દોડતો બકરાને બચાવવા માટે દોડ્યો હતો. જે પાછળનો દરવાજો ખોલવા જતા મોતને ભેટ્યો હતો. તેને વીજ કરંટ લાગતા તે મોતને ભેટ્યો હોવાનુ પ્રાથમિક અનુમાન છે.

ઘટનામાં એક ગર્ભવતી મહિલાનુ મોત નિપજ્યુ છે. આગ લાગવા દરમિયાન ટ્રકમાં એક ગર્ભવતી મહિલા અને એક બાળકી પણ હતા. આ બંને પણ આગમાં મોતને ભેટ્યા હોવાનુ સુત્રો દ્વારા જાણકારી મળી રહી છે. ફાયરની ટીમ દ્વારા આગમાંથી મૃતકના ભડથુ થયેલા મૃતદેહના અવશેષ નિકાળવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસની ટીમ પણ પહોંચી હતી.