ટ્રક ચાલકોની હડતાળને પગલે જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી : લોકોને અફવા ન ફેલાવવા અપીલ

દાહોદ, સરકારના વાહન ચાલકો માટેના કાયદા વિરૂદ્ધ ટ્રક ડ્રાઈવર એસોસિએશનો દ્વારા દેશભરમાં રસ્તા રોકો અને ચક્કાજામની સ્થિતિને પગલે દાહોદ જીલ્લામાં પરિસ્થિતિનો તાગ મેળવવા અને આવી સ્થિતિ ન આવે તેવી તકેદારીના ભાગરૂપે કલેકટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને દાહોદ જીલ્લા સેવા સદનમાં બેઠક યોજવામાં આવી હતી.

સમગ્ર જીલ્લાના પેટ્રોલ પંપ માલિકો, ડીલર્સ, રાંધણ ગેસ સીલીન્ડર વિતરકો, સીએનજી ગેસ એજન્સી સંચાલકો વગેરે એસોસીએશનના પ્રમુખોને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. જોકે, સરકાર દ્વારા ગઈ કાલે આ કાયદાને હાલપૂરતો મુલતવી રાખવાના નિર્ણયને લીધે ટ્રક ચાલકોની હડતાળ સમેટાઈ ગઈ છે. પરંતુ આવી સ્થિતિ આવે તેના આગોતરા આયોજનના ભાગરૂપે જીલ્લાના સામાન્ય નાગરિકો અને જનજીવનન પ્રભાવિત ન થાય તે માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ, શાકભાજી, દૂધ, ઘાસચારો, ઇંધણનો પુરતો જથ્થો રહે તેની ખાતરી કરવા કલેકટર ડો હર્ષિત ગોસાવી એ દ્વારા તમામ ડીલર્સને સુચન કરાયું હતું. કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી સ્થિતિ નિર્માણ થાય તો લોકોએ પેનિક ન થવું, એમ્બ્યુલન્સ, કમ્યુનિકેશન, વસ્તુઓનો પુરતો સ્ટોક, ઈમરજન્સી સેવાઓ, ટ્રાફિક જામ ન થાય જેવી બાબતો પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી હતી.

બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અંગે પોલીસ અધિક્ષક, ડી.વાય.એસપી., પીઆઈ વગેરે પોલીસ સ્ટાફે પણ ડીલર્સને ખાતરી આપી હતી કે તેઓ ઈમરજન્સીમાં કોઈપણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે. ઈમરજન્સી સેવાઓ, બીમાર લોકો, સગર્ભા મહિલાઓ, એમ્બ્યુલન્સને પ્રાધાન્ય આપી આવી સ્થિતિમાં અગ્રીમતા આપે.

આ બેઠકમાં જીલ્લા પુરવઠા અધિકારીની મીતેશ વસાવા, આરટીઓ સીડી પટેલ સહિત અધિકારી ઓ અને એશોશીયનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા કલેકટર ડો.હર્ષિત ગોસાવીએ અને જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા લોકોને અફવા ન ફેલાવવા માટે અપીલ કરાઈ હતી.