ટ્રોલિંગથી પરેશાન થઈ માતાએ આત્મહત્યા કરી:સાત મહિનાની બાળકી ખોળામાંથી પડી ગઈ હતી

ચેન્નાઈ, ૨૮ એપ્રિલે સાત મહિનાની બાળકી માતાના ખોળામાંથી પડી ગઈ હતી. બાળકી ચોથા માળની ગેલેરીમાંથી પડી ગઈ અને પહેલા માળે શેડ પર ફસાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર કંઈ પણ લખવાની આઝાદીનું કડવું સત્ય સામે આવ્યું છે. તમિલનાડુના ચેન્નાઈમાં એક મહિલા આઇટી પ્રોફેશનલે આત્મહત્યા કરી લીધી કારણ કે લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા હતા.

ખરેખરમાં, ૩૩ વર્ષીય વી. રામ્યા ગયા મહિને ૨૮ એપ્રિલના રોજ એપાર્ટમેન્ટના ચોથા માળની ગેલેરીમાં તેની સાત મહિનાની પુત્રીને સ્તનપાન કરાવી રહી હતી. આ દરમિયાન બાળકી તેના હાથમાંથી સરકીને નીચે પડી ગઈ હતી. બાળકી નીચે પડી જતા પહેલા માળે આવેલા શેડ પર ફસાઈ ગઈ હતી. આજુબાજુના લોકોએ ૧૫ મિનિટની મહેનત બાદ બાળકીને બચાવી લીધી હતી. આ દરમિયાન કોઈએ તેનો વીડિયો બનાવ્યો. વીડિયોમાં કેટલાક લોકો બિલ્ડીંગની નીચે ચાદર લઈને ઉભા હતા, જેથી બાળકીને નીચે પડતા ઈજા ન પહોંચે અને તેને થવાથી બચાવી શકાય.

એક વ્યક્તિએ પહેલા માળની બાલ્કનીની રેલિંગ પર ચઢીને બાળકીને બચાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘણા યુઝર્સે પાડોશીઓની પ્રશંસા કરી જેમણે બાળકીને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો.જોકે, આ ઘટના માટે બાળકીની માતાને જવાબદાર ઠેરવીને ઘણા લોકોએ તેને ટ્રોલ કરી હતી. સ્થાનિક ટીવી ચેનલોએ પણ તેને બેદરકાર માતા ગણાવી હતી. રામ્યા માટે આ જીવલેણ બની ગયું. રામ્યા ટ્રોલિંગથી ખૂબ જ પરેશાન થઈ ગઈ અને ડિપ્રેશનમાં આવી ગઈ હતી.

આ ઘટના પછી, ઘટનાની સત્ય જાણ્યા વિના, લોકો ગુસ્સે થઈ ગયા અને બાળકીની માતાને ટ્રોલ કરી. બાળકને બચાવનારા લોકોએ માતા પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે આ માત્ર એક અકસ્માત હતો. માતાએ બાળકીનો ખૂબ સારી રીતે ઉછેર કર્યો હતો. આ ઘટના બાદ બાળકીની માતા તેના મામાના ઘરે ગઈ હતી. ઘટનાના માત્ર ૨૧ દિવસ બાદ તે તેના માતા-પિતાના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી.

કોઈમ્બતુર પોલીસના જણાવ્યા અનુસાર, રામ્યા તેના પતિ અને બે બાળકો (૫ વર્ષનો પુત્ર, ૭ મહિનાની પુત્રી) સાથે બે અઠવાડિયા પહેલા કોઈમ્બતુરમાં તેના પિયરમાં આવી હતી. રવિવારે રમ્યાના માતા-પિતા અને પતિ લગ્નમાં ગયા હતા. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમને રમ્યા મૃત જોવા મળી હતી. રમ્યા અને તેના પતિ ચેન્નાઈમાં કામ કરતા હતા. રમ્યાના પતિ વેંકટેશ (૩૪) પણ આઈટી પ્રોફેશનલ છે. રમ્યાના પરિવારજનોએ જણાવ્યું કે બાળકી સાથેના અકસ્માત બાદ તે દુખી હતી. તેની માનસિક સારવાર પણ ચાલી રહી હતી.