ત્રિપુરામાં શાંતિ સમજૂતી

કેન્દ્ર સરકાર, ત્રિપુરા સરકાર અને દાયકાઓથી ઉગ્રવાદ અને હિંસાનો સામનો કરી રહેલ પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં સક્રિય રહેલાં બે ઉગ્રવાદી સમૂહો – નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા (એનએલએફટી) અને ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સ(એટીટીએફ) વચ્ચે કેટલીક ઐતિહાસિક સમજૂતી થઈ જેનું સ્વાગત થવું જોઇએ, કારણ કે તેનાથી ત્રિપુરામાં જ નહીં, પરંતુ આખા પૂર્વોત્તર ભારતમાં સ્થિરતા અને વિકાસનો માર્ગ પ્રશસ્ત થવાની આશા વધી છે.

ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં જાતીય સંઘર્ષનાં મૂળ તો આઝાદી પહેલાંનાં છે, પરંતુ વર્તમાન સંઘર્ષ ૧૯૮૦ના દાયકામાં શરૂ થયો, જે મુખ્ય રૂપે આદિવાસીઓના અધિકારો, ભૂમિ વિવાદો અને સામાજિક અસમાનતાની આસપાસ કેન્દ્રિત હતું. આ મુદ્દાનો ફાયદો ઉઠાવીને કેટલાય વિદ્રોહી સમૂહો અસ્તિત્વમાં આવ્યા, જેમાં એનએલએફટી અને એટીટીએફ જેવા સમૂહો મુખ્ય હતા, જેમણે રાજ્યમાં હિંસા અને અસ્થિરતાને ઉત્તેજન આપ્યું. કેન્દ્ર સરકારે ૧૯૯૭માં આ બંને ચરમપંથી સંગઠનોને ગેરકાનૂની જાહેર કરીને પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને પછી ૨૦૧૯ અને ૨૦૨૩માં પ્રતિબંધોની સમયસીમા પણ વધારવામાં આવી હતી.

જોકે સુરક્ષા દળોના અભિયાનોની સાથે જ સરકાર વર્ષોથી વિદ્રોહીઓને મુખ્યધારામાં લાવવા માટે મંત્રણા અને પુનર્વાસ યોજનાઓ પર ભાર મૂક્તી આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૫માં જ ત્રિપુરા અને પૂર્વોત્તરના મોટાભાગના હિસ્સામાંથી અસ્પા હટાવો પૂર્વોત્તરના વિકાસને લઈને સરકારની પ્રતિબદ્ઘતા દર્શાવે છે, જેનાં પરિણામ પણ હવે જોવા મળી રહ્યાં છે. આ વર્ષે માર્ચમાં જ ટિપરા મોથા, ત્રિપુરા સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે એક ત્રિપક્ષી સમજૂતી થઈ, જેમાં રાજ્યની જનજાતિઓના ઇતિહાસ, ભૂમિ અને રાજકીય અધિકારો, આર્થિક વિકાસ, ઓળખ, સંસ્કૃતિ અને ભાષા સાતે જોડાયેલ તમામ મુદ્દાના શાંતિપૂર્ણ હલની વાત કરવામાં આવી હતી.

તે ઉપરાંત, પાછલા વર્ષે ડિસેમ્બરમાં અસમના ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા સાથે પણ કેન્દ્ર અને અસમ સરકારે એક ત્રિપક્ષીય સમજૂતી કરી હતી. હાલની સમજૂતી પૂર્વોત્તરના ચરમપંથીઓ સાથે ૧૨મી અને ત્રિપુરા સાથે જોડાયેલી ત્રીજી સમજૂતી છે. અત્યાર સુધી લગભગ દસ હજાર ઉગ્રવાદી આત્મસમર્પણ કરીને મુખ્યધારામાં સામેલ થઈ ગયા છે. શાંતિના રસ્તે પાછા ફરવાથી રાજ્યની આંતરિક સુરક્ષાની સ્થિતિમાં સુધાર થવાની સાથે વિદ્રોહીઓના પુનર્વાસ અને રાજ્યમાં રોજગારના અવસરો વધશે.

તે ઉપરાંત બહારના રોકાણકારો અને પર્યટન માટે ત્રિપુરા એક સુરિક્ષત ગંતવ્ય પણ બની શકશે. જોકે ઉગ્રવાદી સમૂહના સદસ્યોને સંપૂર્ણ રીતે સમાજમાં એકીકૃત કરવા અને હિંસા તરફ તેમના ફરી પાછા ફરવાની આશંકાઓને ખતમ કરવા માટે સતર્કતા સાથે પુનર્વાસ યોજનાઓનો પ્રભાવી અમલ પણ જરૂરી છે.