
અગરતલ્લા,
ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર મંગળવારે સાંજે ૪ વાગ્યે સમાપ્ત થયો હતો હવે ૬૦ સભ્યોની વિધાનસભા માટે ૧૬ ફેબ્રુઆરીએ મતદાન થશે. ચૂંટણીના પરિણામો ૨ માર્ચે જાહેર થશે.
આ વખતે રાજ્યની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપની સામે કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનનો પડકાર રહેશે. ચૂંટણી મેદાનમાં કુલ ૨૫૯ ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોની ૪૦૦ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં ૧૭ ફેબ્રુઆરી સુધી આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદો સીલ કરીને કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.
આ વખતે ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં જોરદાર મુકાબલો થવાની આશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા સહિત ૪૦ થી વધુ સ્ટાર પ્રચારકોએ ભાજપ વતી પ્રચાર કર્યો. બીજી તરફ કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધને પણ ચૂંટણી પ્રચારમાં કોઈ ક્સર બાકી રાખી નથી.આ વખતે, તૃતીય દળ તરીકે ટીપ્રા મોથા તેના પ્રમુખ પ્રદ્યોત દેબબર્માના નેતૃત્વમાં પ્રથમ વખત મેદાનમાં ઉતરી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ વખતે ચૂંટણી રસપ્રદ રહેશે.
ત્રિપુરામાં ૧૬ ફેબ્રુઆરીએ ૬૦ સીટો પર ચૂંટણી યોજાવાની છે જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં ૨૭ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. ત્રણેય રાજ્યોની મતગણતરી એક્સાથે ૨ માર્ચે થશે. ભાજપે ૫૫ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે બાકીની પાંચ બેઠકો તેના ગઠબંધન ઈન્ડીજીનસ પીપુલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા માટે છોડી દીધી છે. ડાબેરી-કોંગ્રેસ ગઠબંધને પણ તમામ ૬૦ બેઠકો માટે તેના ઉમેદવારો જાહેર કર્યા છે. ૬૦ બેઠકોમાંથી, ૪૩ બેઠકો પર સીપીઆઈ(એમ), ૧૩ પર કોંગ્રેસ, એક પર સીપીઆઈ, એક બેઠક પર આરએસપી અને એક પર ફોરવર્ડ બ્લોક જ્યારે એક બેઠક પર એક ઉમેદવાર ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી હતી.