ત્રિપુરામાં એક સગીરે નશામાં ૪ લોકોને મોતને ઘાટ ઉતાર્યા


ત્રિપુરા,
ત્રિપુરાના ધલાઈ જિલ્લાના એક દૂરના ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક ૧૬ વર્ષના સગીર છોકરાએ તેના જ પરિવારના ત્રણ સભ્યો સહિત પાડોશીની નિર્દયતાથી હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ શનિવારે મોડી રાત્રે સૂતી વખતે તેના દાદા, માતા, સગીર બહેન અને પાડોશીની કુહાડી વડે હત્યા કરી હતી. પોલીસે હત્યારાની ધરપકડ કરી હતી. ધલાઈના વરિષ્ઠ પોલીસ અધિકારી ડૉ. રમેશ ચંદ્ર યાદવે જણાવ્યું કે આરોપીની રવિવારે સવારે નજીકના બજારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રિપુરા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એક ભયાનક ઘટનામાં એક સગીર છોકરાએ તેના પરિવારના ચાર સભ્યોની હત્યા કરી નાખી છે. ઘટનાના થોડા કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હત્યા પાછળનું કારણ જાણવા કેસની તપાસ ચાલી રહી છે.પોલીસના જણાવ્યા અનુસાર તેણે શનિવારે હત્યાને અંજામ આપ્યો હતો. આ દરમિયાન તેના પિતા કોઈ કામથી ઘરેથી દૂર ગયા હતા. આ પછી પિતા ઘરે પરત ફર્યા તો લોહીના છાંટા જોતા જ અવાજ કરવા લાગ્યા. આ પછી ગામલોકો એકઠા થઈ ગયા અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી. તેણે કહ્યું, “પ્રારંભિક તપાસ મુજબ, કમાલપુર ડિવિઝનનો રહેવાસી કિશર ડ્રગ્સનો વ્યસની છે. તેણે શનિવારે તેની માતા, દાદા અને ૧૦ વર્ષની બહેન અને પાડોશીની હત્યા કરી હતી. તે સમયે કિશોરના પિતા ઘરે ન હતા. ગુના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યારે કિશોરના પિતા ઘરે પરત ફર્યા ત્યારે તેમણે ચારે તરફ લોહીના છાંટા પડ્યા હતા જ્યારે લાશને કૂવામાં ફેંકી દીધી હતી. કિશોરના પિતાએ બૂમાબૂમ કરતાં ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. ગ્રામજનોનો દાવો છે કે સવારે ૯:૩૦ વાગ્યે તેઓએ આરોપીના ઘરમાંથી મોટા અવાજથી સંગીત સાંભળ્યાના થોડા કલાકો પછી તેના પિતાએ કૂવામાં ચાર મૃતદેહો જોયા. એક પોલીસ અધિકારીએ કહ્યું, અમને શંકા છે કે તેણે ગામલોકોને અંધારામાં રાખવા માટે મોટેથી સંગીત વગાડ્યું હશે. મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતદેહ પર ઈજાના નિશાન છે, જે દર્શાવે છે કે હત્યારાએ ચાર લોકોની હત્યા કરવા માટે કોઈ બોથડ વસ્તુનો ઉપયોગ કર્યો હશે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.