મહેસાણા, મહેસાણા શહેર નજીક આવેલા નાગલપુર વિસ્તારમાં એક મહિલાને તેના પતિએ ૧૭ વર્ષના લગ્નજીવનને પળવાર જ તોડી નાંખ્યુ હતુ. પતિએ પોતાની સાસરી એટલે કે મહિલાના પિયરમાં પહોંચીને ત્યાં માથાકૂટ કરી હતી. પતિને પ્રથમ પત્નિ હયાત હોવા છતાં બીજા લગ્ન કર્યા હતા અને જેને લઈ પત્નિએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન મારામારી કરીને પતિએ પ્રથમ પત્નિને તેના પિયરમાં જ ત્રણ વાર તલાક બોલીને છૂટાછેડા આપ્યા હતા.
આમ મામલે વર્ષ ૨૦૧૯માં મહેસાણા શહેરમાં આવેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. મહેસાણા પોલીસે ટ્રિપલ તલાક બોલીને છૂટાછેડા આપવાના મામલે જિલ્લાનો પ્રથમ ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. જેમાં આરોપી ફકીર જાકીરશાને કોર્ટે ૨ વર્ષની સજા સંભળાવી છે.
નાગલપુર વિસ્તારમાં રહેતા ફકીર જાકીરશા સાથે મહિલાના લગ્નના ૧૭ વર્ષ વીતી ચૂક્યા હતા. બંનેએ વર્ષ ૨૦૦૩માં લગ્ન કર્યા હતા. આ દરમિયાન હવે આટલા વર્ષો બાદ ફકીર જાકીરશાને બીજી પત્નિ લાવવી હતી. જે પત્નિનો વિરોધ પ્રથમ પત્નિએ કર્યો હતો. પરંતુ ફકીર લગ્ન કરવા મક્કમ બન્યો હોય એમ તે પોતાની વાત પર રહ્યો હતો. આથી બીજી પત્નિ લાવવાને લઈ પ્રથમ પત્નિ પર ત્રાસ ગુજારવો શરુ કર્યો હતો.
પ્રથમ પત્નિ પતિના ત્રાસ અને બીજા લગ્ન કરી લીધા હતા જેને લઈ તે પોતાના પિયરમાં ચાલી ગઈ હતી. ફકીર જાકીરશા પ્રથમ પત્નિના પિયરમાં પહોંચીને ત્યાં મારા મારી કરવા લાગ્યો હતો. જેને લઈ મહિલાના ભાઈ સહિતના લોકો વચ્ચે પડીને છોડાવવા લાગ્યા હતા. આ સમયે ફકીરે તેમને ધમકીઓ આપી હતી. ધમકીઓ આપવા સાથે જ ત્રણ વાર તલાક કહી સંભળાવીને છૂટાછેડા આપ્યા હતા.
આ દરમિયાન પ્રથમ પત્નિએ મહેસાણા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરે બનેલી ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ૨૦૧૯ની ટ્રિપલ તલાક મુસ્લિમ વુમન એક્ટ મુજબ ગુનો નોંધીને તપાસ શરુ કરાઈ હતી. જે સંદર્ભનો કેસ મહેસાણા સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. સેસન્સ જજ એલએલ મહેતાએ આરોપી ફકીર જાકીરશાને દોષીત ઠેરવ્યા હતા. ત્રણ વાર તલાક બોલી છૂટાછેડા આપનાર ફકીરને ૨ વર્ષની કેદ અને ૫ હજાર રુપિયાનો દંડ ફટકાર્યો હતો.