
સુરત રેલવે સ્ટેશન પર આજે (4 ફેબ્રુઆરી) એક યુવક ટ્રેન પર ચડી જતા ભારે હંગામો સર્જાયો હતો. બનાવના પગલે RPF તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જો કોઇ યુવકને બચાવવા જવાનો પ્રયાસ કરે તો તે ઈલેક્ટ્રિક વાયર પકડી લેવાનું કહેતો હતો અને પકડવાનો પ્રયાસ પણ કરતો હતો. 45 મિનિટની ભારે જહેમતે તેને નીચે ઉતારાયો હતો. પ્રાથમિક તપાસમાં યુવક માનસિક બીમાર હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ હંગામાના પગલે સાત ટ્રેન મોડી પડી હતી.
રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી રહી હતી. દરમિયાન એક યુવક એન્જિનની ઉપર ચડી ગયો હતો. યુવક ટ્રેનના એન્જિન પર બેસીને હાથ જોડતો હતો અને ઇશારાઓ કરી રહ્યો હતો. લોકો તેને સમજાવીને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા જો કે તે ઊતરી રહ્યો ન હતો. આ અંગેની જાણ થતાં જ આરપીએફના જવાનો પણ દોડી આવ્યા હતા. શરૂઆતમાં સમજાવીને ઉતારવાનો પ્રયાસ કરતા તે નીચે ઊતરતો ન હતો.

ઈલેક્ટ્રિક વીજ વાયરમાં પાવર સપ્લાય બંધ કરાયો બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પહોંચી હતી. ત્યારે 9.18 કલાકે આ યુવક ટ્રેનના એન્જિન પર ચડી ગયો હતો. આ અંગેની જાણ થતાં જ પહેલા 9.23 કલાકે ઈલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. આ સાથે જ આરપીએફ અને લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરપીએફ જવાનો અને લોકો યુવક સુધી પહોંચતા જ યુવકે ઇલેક્ટ્રિક વાયર પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વીજ સપ્લાય બંધ હોવાથી યુવકને કંઈ થયું ન હતું. દરમિયાન 45 મિનિટ બાદ આરપીએફએ અને લોકોએ યુવકને નીચે ઉતારી લીધો હતો. હાલ તો સમગ્ર મામલે આરપીએફએ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
યુવક ટ્રેન પર ચડી જવાના કારણે ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી હતી. 45 મિનિટ સુધી ચાલેલા આ ડ્રામાના કારણે સાત ટ્રેનો મોડી પડી હતી. આ ટ્રેનોને 45 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. જયપુર સુપરફાસ્ટ, મેમુ, ડબલ ટેકર, તેજસ એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ, સયાજી નગરી, ડિલક્ષ એક્સપ્રેસ ટ્રેન 45 મિનિટ સુધી મોડી પડી હતી. જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્લેટફોર્મ ઉપર ઊભી રહેલી ટ્રેનના એન્જિન ઉપર ચડી જવાને લઈને આરપીએફની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. રેલવે પોલીસની એક ચૂકના કારણે હજારો મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આરપીએફ જવાનો હોવા છતાં પણ આ યુવક ટ્રેનની ઉપર સુધી કઈ રીતે પહોંચ્યો એ એક તપાસનો વિષય છે. આ મામલે રેલવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.