આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, ગાંધીનગર અને મોરબીમાં રાધે ગ્રુપ, ટ્રોગોન ગ્રુપ અને ધરતી સાંકેત ગ્રુપનાં 36 સ્થળે હાથ ધરવામાં આવેલાં સર્ચ- ઓપરેશનમાં અત્યારસુધીમાં 400 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે અને 400 કરોડના બિનહિસાબી વ્યવહારોને ધ્યાનમાં લેતાં લગભગ 100 કરોડથી વધુની કરચોરી કરાઈ હોવાની શક્યતા છે તેમજ સંભવિત કરચોરીની રકમ પર વ્યાજ અને પેનલ્ટી લાગુ કરવામાં આવ્યા પછી કરચોરીનો આંક 200 કરોડ જેટલો થવાની શક્યતા છે.
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ટ્રોગોન ગ્રુપ, રાધે ગ્રુપ અને ધરતી સાંકેત ગ્રુપના છેલ્લાં 6 વર્ષના તમામ વ્યવહારોનું એસેસમેન્ટ કરવામાં આવશે અને આ સમયગાળાના શંકાસ્પદ વ્યવહારોની આકારણી કરીને કરચોરી કરવામાં આવી છે કે નહીં એ નક્કી કરવામાં આવશે. આ સર્ચ- ઓપરેશન દરમિયાન આવકવેરા વિભાગે 5 કરોડની રોકડ રકમ જપ્ત કરી છે અને 45 બેંક- લોકર સીલ કર્યાં હતાં અને એ પૈકી 42 બેંક-લોકર ઓપરેટ કરાયાં છે. હજુ ત્રણ બેંક-લોકર ઓપરેટ કરવાનાં બાકી છે. એ ખોલવામાં આવતાં રોકડ, જવેલરી તથા શંકાસ્પદ વ્યવહારોના દસ્તાવેજો મળી આવે એવી શક્યતા છે. I.T. વિભાગ દ્વારા દરદાગીનાનું મૂલ્ય કઢાવ્યું ન હોવાથી ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. કરચોરીનો આંકડો મોટો થવાની શક્યતા સેવાઇ રહી છે.
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદમાં 25, મહેસાણામાં 5 તેમજ હિંમતનગર, ગાંધીનગર અને મોરબીમાં 6 સ્થળે મળીને કુલે 36 સ્થળે સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટ્રોગોન ગ્રુપ, રાધે ગ્રુપ અને ધરતી સાંકેત ગ્રુપ દ્વારા જમીનોના મોટી રકમના સોદા અને રેસિડેન્શિયલ તથા કોમર્શિયલ બિલ્ડિંગ સહિત કન્સ્ટ્રક્શન વ્યવસાય અને એની સાથે સંકળાયેલા વ્યવસાયોમાં કરોડોના શંકાસ્પદ બિનહિસાબી વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું છે. ટ્રોગોન ગ્રુપ, રાધે ગ્રુપ અને ધરતી સાંકેત ગ્રુપ દ્વારા બોગસ કંપનીઓ મારફત લોન લેવામાં આવી હોવાનું અને બોગસ કંપનીઓ મારફત એકોમોડેશન વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, I.T. વિભાગ દ્વારા ટ્રોગોન ગ્રુપ, રાધે ગ્રુપ અને ધરતી સાંકેત ગ્રુપમાં ચાલી તપાસ દરમિયાન અત્યારસુધીમાં 5 કરોડની રોકડ રકમ મળી છે અને મોટેપાયે જવેલરી પણ મળી આવી છે અને હાલ જવેલરીનું વેલ્યુએશન કરવામાં આવી રહ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા આ ત્રણેય ગ્રુપમાં હાથ ધરાઈ રહેલી પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ ઓન મની વ્યવહારો મળ્યા છે અને કરોડો રૂપિયાની બોગસ લોનની એન્ટ્રી, એકોમોડેશન એન્ટ્રીઓ મળી આવી છે તેમજ બોગસ એકાઉન્ટ પણ જોવા મળ્યાં છે. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા આ સર્ચ- ઓપરેશન પૂરું થયા પછી કરોડોની કરચોરી પકડાવાની શક્યતા છે. આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહેલા સર્ચ-ઓપરેશનને પગલે કરચોરોમાં ફફડાટ ફેલાયો છે.