મહેસાણા : એક ટ્રેન ચૂકી જતા એક વ્યક્તિએ આખી ટ્રેનના પેસેન્જરના જીવ પડી કે બાંધી દીધા હતા. જી હા માત્ર એક ટ્રેન ચુકી જતા તે ટ્રેનને આગળના સ્ટેશનથી પકડવા ટ્રેનમાં બૉમ્બ હોવાનો ખોટો ફોન અમદાવાદ રેલવે કંટ્રોલમાં કર્યો અને પોલીસ દોડતી થઈ હતી. ત્યારે કોણ છે આ વ્યક્તિ અને કઈ ટ્રેન પકડવા આ વ્યક્તિએ અમદાવાદ રેલવે કંટ્રોલમાં બૉમ્બ હોવાનો ફોટો ફોન કર્યો જોઈએ તે જોઈએ.
અમદાવાદથી ઉપડેલી જમ્મુ તાવી એક્સપ્રેસમાં બૉમ્બ હોવાનો અમદાવાદ રેલવે કંટ્રોલમાં ફોન આવતા અધિકારીઓ હરકતમાં આવી ગયા. ઘટનાની ગંભીરતાને લઈ વચ્ચે આવતા તમામ રેલ્વે સ્ટેશન પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો. કંટ્રોલમાં ફોન આવ્યો ત્યારે ટ્રેન કલોલ ક્રોસ કરી ચૂકી હતી. જેથી તે ટ્રેનને મહેસાણા રેલ્વે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. મહેસાણા એસપી ડીવાયએસપી એલસીબી એસોજી સહિત પોલીસ કર્મીઓ રેલવે સ્ટેશન આવી ગયા હતા. ટ્રેન આવતા જ ડોગ સ્કોડ દ્વારા ટ્રેનમાં તપાસ કરવાનું શરૂ કરાયુ હતું. પરંતું બે કલાકની તપાસ બાદ ટ્રેનમાં કંઈ પણ વાંધાજનક વસ્તુ મળી ન ન હતી.
જ્યારે બીજી તરફ ટ્રેનમાં એક લાવારીશ બેગ મળી આવી આ બેગ પોલીસને આરોપી સુધી પહોંચાડવા મદદરૂપ થઈ હતી. કંટ્રોલ રૂમમાં આવેલ ફોન અને બેગની અંદરથી પાર્સલ પર એક નંબર મળી આવ્યો હતો. આ નંબરને ટ્રેસ કરતા પહેલા આ નંબર મહેસાણા રેલ્વે સ્ટેશનમાં એક્ટિવ બતાવ્યો હતો. ત્યાર બાદ ફોન બંધ થતા પોલીસને શંકા ગઈ હતી.
ત્યાર બાદ આ નંબરની તપાસ કરતા મોબાઈલ સર્વેલન્સના આધારે આ વ્યક્તિ ઊંઝા રેલ્વે સ્ટેશન હોવાનું સામે આવ્યું હતું. ઊંઝા રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા આ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં પૂછપરછમાં સામે આવ્યું કે, અમિતસિંઘ નામનો આ વ્યક્તિ અમદાવાદથી જોધપુર જવા નીકળ્યો હતો અને ટ્રેન ચૂકી જતા તેને આ ખોટો ફોન કર્યો હતો. આમ, રેલવે પોલીસની સતર્કતા ને લઈ મહેસાણા પોલીસે આરોપીને ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો.
પોલીસ પકડમાં ઉભેલા આરોપીનું નામ અમિતસિંઘ જબારસિંઘ પાનવાર છે. આરોપી અમદાવાદ ખાતે રહેતો હતો. પોતે આર્થિક સંકડામણમાં હોવાને કારણે અમિત પોતાના વતન જોધપુર જવા રવાના થયો હતો, જ્યાં તેનો પરિવાર રહે છે. પોલીસ પૂછપરછમાં આરોપી આર્થિક મુશ્કેલીમાં હોવાને કારણે પોતાનું જીવન ટૂંકાવા જોધપુર જઈ રહ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું અને પોલીસ દ્વારા જ્યારે તેના બેગની તપાસ કરવામાં આવી અને તેમાં રહેલ પાર્સલ ચેક કરવામાં આવ્યું ત્યારે તેમાંથી લિક્વિડ પેસ્ટીસાઈડની બોટલ પણ મળી આવી હતી. એટલે આરોપી આર્થિક સંકડામણના કારણે પોતાનું જીવન ટૂંકાવા જઈ રહ્યો હતો અને બેગ ટ્રેનમાં મૂકી નીચે ઉતર્યો અને ટ્રેન ચૂકી જતા તેને આ ટ્રેન પકડવા ટ્રેનમાં બૉમ્બ હોવાનો ખોટો ફોન અમદાવાદ રેલવે કંટ્રોલમાં કર્યો હોવાનું કબૂલ કર્યું હતું. અમિત સિંઘના આ કૃત્યને લઈ અનેક લોકોના જીવ પડીકે બંધાયા હતા. પરંતુ ગણતરીના સમયમાં મહેસાણા પોલીસ આરોપી સુધી પહોંચી તેને ઝડપી પાડ્યો સાથે સાથે જીવન ટૂંકાવા જઈ રહેલ આરોપીને પકડીને તેનો જીવ પણ બચાવ્યો હતો તેવુ વેસ્ટર્ન રેલવેના એસપી બલરામ મીણાએ જણાવ્યું.
આમ મહેસાણા પોલીસની સમયસૂચકતા અને સતર્કતા દ્વારા રેલવે કંટ્રોલમાં ખોટો ફોન કરનાર આરોપીને ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો અને સમગ્ર મામલે જે ખુલાસો થયો તે જોતા પોલીસની કામગીરીથી એક માણસનો જીવ પણ બચ્યો. હાલમાં રેલવે પોલીસ દ્વારા અમિતસિંઘ વિરુદ્ધ ગુનો વધુ કાર્યવાહી હાથ ધરી છે.