ટ્રેલર બાદ હવે વરસાદનું અસલી પિક્ચર શરૂ થયું ! સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યુ,

  • બે કલાકમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબક્તા પૂર જેવી સ્થિતિ, જળબંબાકારના દ્રશ્યો સર્જાયા
  • નમર્દાના લાછરસ ગામે ભારે વરસાદના કારણે કેડ સમા પાણી ભરાઈ ગયા છે. ગામમા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો

ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ કરી છે. ગુજરાત ઉપર વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય બની છે. જેના પગલે સુરતના ઉપરપાડામાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓ વધારે પ્રભાવિત છે. ઉમરપાડામાં બે કલાકમાં જ ૧૦ ઇંચ જેટલો વરસાદ વરસતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. સુરતના ઉમરપાડામાં ગઇકાલથી અત્યાર સુધીમાં ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ ખાબક્તા નદી નાળા છલકાયા છે. તો મોહન, વીરા, કરજણ નદી નદી બે કાંઠે વહેતી થઇ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. અનેક સ્થળોએ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો રસ્તાઓ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે ઉમરપાડામાં જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. વાહનો પાણીમાં ડુબી ગયા છે.

ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે. ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતા એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તુટ્યો છે. વરસેલા ભારે વરસાદને લઇને તંત્ર દોડતું થયું છે.

દરમિયાન નર્મદામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાય છે. નમર્દાના લાછરસ ગામે ભારે વરસાદના કારણે કેડ સમા પાણી ભરાઈ ગયા છે. ગામમા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. તંત્રની બેદરકારીના કારણે ગામમાં દર વર્ષે પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.ગરુડેશ્ર્વરમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. ગામના ઘરોમાં પણ પાણી ભરાયા છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી લોકોમાં આફતનો ડર ફેલાયો છે. નર્મદા જીલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

નર્મદાના નાંદોદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ કારણે લાછરસ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે વરસાદના પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા છે. ત્યારે પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. મળતી માહિતી મુજબ આ ગામમાં પાણી જવાનો રસ્તો ન હોવાથી પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાય છે.વહેલી સવારથી નર્મદાના ગરુડેશ્ર્વરમાં બે કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

નર્મદાના નાંદોદમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ સમસ્યાની વચ્ચે ગામલોકોને પડતા પર પાટુ સમાન સ્થિતિ બની છે . લાછરસમાં હાલ કમર સુધીના પાણી ભરાયા છે તેને લઈને લોકો હેરાન છે આ દરમિયાન અહીં ૬ ઈંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે.છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદ જામ્યો

બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં અલીપુરા,બીઓબી બેંક સહિતના વિસ્તારોમાં પાણી કેડ સમા પાણી ભરાઇ ગયા હતાં જેને કારણે વાહનચાલકો સહિત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતાં અલીપુરા ઠેર ઠેર ગટરોના ગંદા પાણી ઉભરાયા ગયા હતાં જેથી રોગચાળાનો ભય ફેલાયો છે.ભરૂચ જિલ્લામાં વાલિયા અને નેત્રંગના સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. નેત્રંગમાં નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા છે. વરસાદના પગલે અમરાવતી નદી બે કાંઠે થઈ છે. ભરૂચમાં જિલ્લામાં ૫ ઇંચ વરસાદ નોંધાયો છે.

નેત્રંગ માંડવી રોડ સંપર્ક વિહોણો થયો છે. ભારે વરસાદને પગલે નેત્રંગ પોલીસ અને મામલતદાર કોઈપણ અઘટિત ઘટના ન ઘટે તે માટે એલર્ટ થયા છે. મોરિયાના ગામની સીમમાં પાણી ભરાતા યુવાન તાડના ઝાડ પર ફસાયો હતો

અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા અને માલપુર તાલુકામાં ગાજવીજ સાથે મોડાસામાં વરસાદ પડ્યો છે. માલપુરના રાજમાર્ગ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સાબરકાંઠાના ઈડર, વડાલીમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતાં વરસાદથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. રાત્રિના સમયે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોને જીવનદાન મળ્યું છે.

બનાસકાંઠાના ધાનેરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. અસહ્ય ગરમી બાદ ધાનેરામાં વરસાદનું આગમન થયું છે. પવન સાથે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. વરસાદ આવતા બાજરી, મગફળીના પાકને જીવનદાન મળ્યું છે. ધાનેરા સહિત ગ્રામીણમાં વરસાદ વરસ્યો છે. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. સમયસર વરસાદની શરૂઆત થતા ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદ નોંધાતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડયો છે ભારે વરસાદથી બફારો દૂર થયો હોય તેમ લાગી રહ્યું છે. વાતાવરણમાં ચારેકોર ઠંડક પ્રસરાઈ ગઈ છે. શાહીબાગ, એરપોર્ટ સર્કલ, વાડજ, નિર્ણયનગર. નવરંગપુરા, સાબરમતી, આશ્રમ રોડ, સેટેલાઈટ, બોપલ, એસ જી હાઈવે, ગોતા ઈન્દિરા બ્રિજ, પાલડી, રાણીપ, લો ગાર્ડન, મણિપુર, વાપુર, ખોખરા, નવા નરોડા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગાંધીનગરમાં અત્યારે વરસાદ શરૂ થયો છે. ધીમી ધારે વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી હોય તેમ દેખાઈ રહ્યું હતું

હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા જીલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અગામી ૫ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પવનની ગતિ ૩૫ થી ૪૫ કિમીની રહેશે. ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં અતિભારે વરસાદ રહેશે. અમરેલી, ભાવનગર, જામનગર સહિતના જીલ્લામાં ભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા મેઘ મહેર થશે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં યલો એલર્ટ અપવામાં આવ્યું છે. નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા સહિત વરસાદનું જોર રહેશે. સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહીસાગર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.